________________
मुक्तिवादः
મિલનથી કાર્યબાધ થતો નથી. વૈદિક કારણોમાં વિકલ્પ હોય તો તેમનું સંવલન થતું નથી. જેમ કે વ્રીહિ અને યવ યાગના વૈકલ્પિક કારણો છે. તેમની કારણતા વેદબોધિત છે અને વૈકલ્પિક છે. તેથી બંને સાથે મળીને એક યાગનું અનુષ્ઠાન થઈ શકે નહીં. વ્રીહિજન્ય અપૂર્વ અને યવજન્ય અપૂર્વ ભિન્ન છે. બંને અપૂર્વો પરસ્પરનો પ્રતિબંધ કરશે. તેથી ફળ સિદ્ધ થશે નહીં. પ્રસ્તુત સ્થળે જ્ઞાન અને કર્મની કારણતા વેદબોધિત છે તે પણ વૈકલ્પિક છે. તેથી તેમના સંવલનને ફળ પ્રત્યે પ્રતિબંધક મનાય છે. આમ જ્ઞાનકર્મનું તૃણારણિમણિની જેમ સંવલન શક્ય નથી. સંવલન થાય તો મોક્ષ(=કાર્ય) થાય નહીં.
પ્રશ્ન :-વેદ નિરૂપિત કારણતા વૈકલ્પિકી જ હોય તે જરૂરી નથી. વ્રીહિયવસ્થળે કારણતા ભલે વૈકલ્પિકી હોય પરંતુ જ્ઞાનકર્મની કારણતા વૈકલ્પિકી માનવાની જરૂર નથી. જ્ઞાન અને કર્મ બંનેનો સમુચ્ચય મોક્ષનું કારણ છે. આવું સ્વીકારવાથી ઉપરોક્ત આપત્તિ રહેશે નહીં.
જવાબ:-જ્ઞાન કર્મના સમુચ્ચયને મોક્ષનું કારણ માનવામાં ત્રણ આપત્તિઓ છે. (૧) જે વ્યક્તિને તત્ત્વજ્ઞાનનું કારણ બનતો યોગાભ્યાસ અસાધ્ય લાગશે તે વ્યક્તિ એકલા કર્મથી મુક્તિ નથી માટે કર્મમાં પણ પ્રવૃત્ત નહીં થાય.
(૨) દરેક કર્મોનો સમુચ્ચય શક્ય નથી. કાશીમરણ અને મથુરામરણનું સંવલન અશક્ય છે.
પ્રશ્ન –જે કર્મોનું સંવલન શક્ય નથી તેનું સહભાવી જ્ઞાન મોક્ષનું કારણ બની જાય છે ત્યાં સંવલનને કારણે માનવું નહીં. આમ કરવાથી તૃણારણિમણિસ્થળની જેમ વ્યભિચાર જણાય તો તેનું વારણ અવ્યવહિતોત્તરત્વના નિવેશથી કરી લેવું.
જવાબ:-(૩) સમુચ્ચય પક્ષે ત્રીજી આપત્તિ એ છે કે–“જ્યાં શ્રુતિ એકથી વધુ પદાર્થોને કારણ જણાવતી હોય અને તેમાં સાહિત્યનો ત્યાગ જણાતો હોય ત્યાં વિકલ્પ જ હોય છે. વ્રીહિયવમાં સાહિત્ય નથી તેથી વિકલ્પ છે.” આવો સિદ્ધાંત ઉપાયકારે તારવ્યો છે તેનો ભંગ થશે. આ સિદ્ધાંત ન માનીએ તો વ્રીહિયવસ્થળે પણ સમુચ્ચય માનવાની આપત્તિ આવશે. માટે સાહિત્યનો ત્યાગ કરી જ્ઞાનકર્મની કારણતામાં વિકલ્પ સિવાય અવકાશ નથી.
પ્રશ્ન :-ઉપાયકારનો સિદ્ધાંત વ્રીહિયવ જેવા સ્થળે જ છે. જ્ઞાનકર્મ સ્થળે નથી. જ્ઞાનકર્મ સ્થળ તેનો અપવાદ છે.
જવાબ:–આ સિદ્ધાંત સાર્વત્રિક છે. વાજપેય યાગ અને અગ્નિષ્ટોમ યાગ સ્વર્ગનું કારણ છે. આ બંને યાગથી ભિન્ન ભિન્ન અપૂર્વ પેદા થાય છે અને સ્વર્ગરૂપ ફળ સામાન્ય હોવા છતાં અપૂર્વને કારણે ફળમાં ભેદ પડે છે. ઉપાયકારનો સિદ્ધાંત ન માનીએ તો વાજપેય અને અગ્નિષ્ટોમ આ બંને યાગ અરસપરસના કારણ બની શકે. બંનેની કારણતા સમુચ્ચિત બની જશે. તેથી બંનેનું સંવલન સ્વર્ગનું કારણ બનશે. વાજપેય યાગથી અગ્નિષ્ટોમ દ્વારા પ્રાપ્ય સ્વર્ગ મળશે અને અગ્નિષ્ટોમ યાગથી વાજપેય દ્વારા પ્રાપ્ય સ્વર્ગ મળશે. આવું થશે તો બંને દ્વારા પ્રાપ્ત થતું ફળ સમાન હોવાથી તેના અનુષ્ઠાનનું વિધાન વ્યર્થ સાબિત થશે.