________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૩૩
શક્યો નહી. પરમકૃપાળુ દેવશ્રી ત્યાંથી પધારી ગયા અને સાહેબને મુકામ પડોશી રાજ્યમાં થયો ત્યાં તેને પાછળથી શિકાર મળ્યાના સમાચાર સાંભળ્યા હતા. - પરમકૃપાળુ દેવના ધરમપુરના નિવાસ વખતે મારા તરફથી ડાઘુઓ માટે એક આશ્રયસ્થાન બનાવવામાં આવતું હતું ત્યાં હરવખત જવું થતું હતું. એ આશ્રયસ્થાનની બાજુમાં નાના સરખા બગીચો અને જુદાજુદા રંગના પાંચીકાથી કેાઈ લેખ ચિતરવાનો વિચાર થયો હતો. શા લેખ ચિતર એ બાબત શ્રીમદ્જીને વિનંતી કરી પૂછવામાં આવ્યું હતું. “ભાવના સિદ્ધિ ”” એ લેખ માટે સૂચન થયું હતું. આ લેખનું મહત્ત્વ તે વખતે સમજાતું હતું તેના કરતાં અત્યારે વિશેષ સમજાય છે. મારી સમજણ પ્રમાણે તો સુખદુઃખના હરકોઈ સમયે આ મુદ્રાલેખનું સમરણ દરેકને બહુ જ ઉપયોગી અને શાંતિદાયક થઈ પડે એમ લાગે છે.
ઉપર જણાવેલા આશ્રયસ્થાને શ્રીમદ્જી સાથે વખતોવખત જવાનું બનતું. ત્યાંથી મેડી રાત્રે ઘેર આવતાં કઈ કઈ વાર શ્રીમદ્દજી પોતે એકલા એ સ્થળેથી થોડે દૂર ઝાડીમાં જતા અને પૂછે કે તમને સર્પ કે વાઘનો મેળાપ થાય તો ડર કે કેમ ? એ સવાલ પૂછતાં હું જવાબ આપતો કે આપની સમીપે તો ડરીએ નહીં. પણ પ્રત્યક્ષ તેની પરીક્ષા થયા સિવાય શું કહી શકાય ? તેનો જવાબ શ્રીમદ્જી તરફથી મળેલા પણ અત્યારે તે યાદ નથી. એ આશ્રયસ્થાનના બગીચામાં નવી કેળા નાખી હતી તેમાંની એક કેળને નવાં પલ્લવ આવેલાં હતાં. એક પ્રસંગે. સવારને વખતે પવનની લહેરથી તે પલવ ફરફરી રહ્યું હતું તેથી ઘણું રમણીય ભાસતું હતું. તે જોઈ આ લખનારની દૃષ્ટિ તે પાનની મનોહરતા પર પડી તે જોઈ શ્રીમદ્જીએ મને જણાવ્યું કે મન તેમાં બહુ આકર્ષાશે તે ત્યાં ઊપજવું પડશે. તે આશ્રયસ્થાનમાં એક બ્રહ્મચારી સાધુ તે વખતે રહેતા હતા તે જણાવતા કે રાતને વખતે બાગમાં એક સાપ આવે છે. તે મોઢામાંથી મણિ મૂકી ચરવા જાય છે. તે સમયે અજવાળું થઈ રહે છે. શ્રીમદ્જીએ તે પર લક્ષ નહોતુ આપ્યું તેમ સાધુએ એ વાતની પ્રતીતિ કઈ વખતે કરાવી નહોતી.