________________
મેટાંબા
- શ્રી રણછોડદાસભાઈ (મારા સસરાજી) ને પરમકૃપાળુ દેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને ભક્તિ હતા. તેઓનું હૃદય શુદ્ધ અને સરસ હતું. તેઓ ઘણા દયાળુ અને પરદુઃખભંજન પણ હતા તેમના સહવાસથી મારાં સાસુજી પૂ. મણિબાઈને પરમકૃપાળુ દેવ પ્રત્યે અનન્ય ભક્તિ અને પ્રેમ હતાં. તેઓ વ્યવહારકુશળ તેમ જ પરમાર્થ પ્રેમી હતાં. આ બંને વડીલોના સુસંસ્કારો, કુટુંબમાં મારા દિયર તથા મારા નણદ વગેરે પર પડેલાં છે. બાળકોમાં પણ આ સંસ્કારોની ઊંડી છાપ પડી છે. મેટાંબા (પૂજ્ય સાસુજી) એ બાળકોને પરમકૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવી હતી. તેઓની ભક્તિ દિનપ્રતિદિન વધતી જતી હતી. તેઓ હંમેશાં વહેલાં ઊઠી પ્રભુભક્તિ કરતાં અને તેમાં તલ્લીન બની જતાં. ઘરનું વાતાવરણ પણ તે ભક્તિથી સંસ્કારશુદ્ધ બની જતું.
બંને વડીલો ચોમાસું કરવા વડવે જતાં અને એકાદ બાળકને પણ સાથે રાખતાં, કારણ કે બાલ્યવયમાં જ બાળકોના ધર્મના સંસ્કારે સુદૃઢ થાય છે એમ તેઓ માનતાં. પૂ. બાપુજી (મારા સસરાજી) નો દેહ છૂટી ગયો, ત્યાર પછી પણ મોટાંબા ચોમાસું કરવા વડવા જતાં અને કારતક સુદ પૂનમ પર વવાણિયાના તીર્થ ધામમાં પધારતાં. કેટલાક વખત પછી સેનગઢ ચોમાસું કરવા જતાં. આ રાજભુવન બંધાવવામાં તેમની પ્રેરણા–ભાવના ઘણી ઊંચી હતી અને તેમને ઉલ્લાસ પણ ઘણા હતા. તેથી મને તેમના તરફથી ઘણી સહાનુભૂતિ મળતી. તેઓ અવારનવાર રાજકોટથી આવી રાજભુવન બંધાતી વખતે સલાહ-સૂચન આપી જતાં. પ્રતિષ્ઠા વખતે પણ તેમને ઘણો જ ઉલ્લાસભર્યો સાથ હતો.