________________
ધાર્મિક વહીવટ વિચાર જો આ પરિસ્થિતિનો-એક બનીને શ્રાવક-સંઘ પ્રતીકાર નહિ કરે તો ધર્મનાં આ સ્થાનોની શાસ્ત્રનીતિની જાળવણી અશક્ય બની જશે. એમ થતાં ધર્મની આરાધનાઓ નબળી પડી જશે,ઘટી જશે. યાવતું બંધ થવા લાગશે.
ભારત સરકારનું બંધારણ બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાન્તને વરેલું છે. એટલે ભારતીય-પ્રજાને નિધર્મી (નાસ્તિક) બનાવવા તરફ જ તેનું પ્રત્યેક પગલું હોય તે સહજ છે. પણ ધર્મી લોકોએ તેની સામે અવાજ તો ઉઠાવવો જોઈએ ને ?
કદાચ એવો સમય આવી લાગે કે જ્યારે મંદિરોની સંપત્તિઓનો સાર્વજનિક કાર્યો-હિંસક, વિલાસજનક વગેરેમાં જ ઉપયોગ કરવાની ફરજ પડાય, અને તે વખતે શ્રી સંઘના અગ્રણી જૈનાચાર્યો સકળ સંઘને આદેશ આપે કે “હવેથી જિન મંદિરના ભંડારોમાં પૈસા નાંખવાનું બંધ કરો. તમામ ઉછામણીઓ બોલવાનું બંધ કરો.” શું આટલી હદે જવું પડશે? ખરેખર તો આજથી જ ગેર-શાસ્ત્રીય બાબતોની સામે સખ્ત અવાજ ઉઠાવવો જોઈએ.
આ બધું જોતાં એમ કહેવાનું દિલ થાય છે કે મંદિરોમાં પત્થર અને પ્રતિમા સિવાય કોઈ પણ ચીજ-મૂલ્યવાન આભૂષણો, ચાંદીના ભંડારો, ચાંદીના રથ વગેરે-હવે રાખવા જોઈએ નહિ. મધરાતે ય મંદિર ખુલ્લું રહે. કોઈ ચોર આવે તો તેને કશું ન મળે તેવી સ્થિતિ સર્જાય તે ઇચ્છનીય છે. જો આમ નહિ થાય તો કાં ચોરો, કાં પૂજારી-મુનીમો અથવા છેવટે સરકાર - બધું ખાઈને જ જંપશે તેમ મને લાગે છે.
જો નબળા વર્ગોની સત્તાનો ભય આવી જ રહ્યો હોય તો સંપત્તિની જમાવટ ન થવા દેવી તે જ ઉપાય તાત્કાલિક રીતે મને અત્યંત યોગ્ય લાગે છે.