________________
ધાર્મિક વહીવટ વિચાર
૪૯ દર્દી માટે બે ય કામ કરવાં જોઈએ. ગૂમડાંઓ ઉપર મલમપટ્ટી મારતા જવી પણ સાથે જ, ભતરમાં ભભૂકી ઊઠેલો રક્તવિકાર જડમૂળથી દૂર કરવા યત્ન કરવો.
દીન-દુ:ખિતોની અનુકંપા એ દ્રવ્ય અનુકંપા થઈ શકે અને ભાવ અનુકંપા પણ થઈ શકે. ભાવ અનુકંપાના લક્ષ સાથે કરાતી દ્રવ્ય અનુકંપા બેશક શ્રેષ્ઠ ગણાય. છતાં એકલી દ્રવ્યાનુકંપા જ થતી હોય તો ઔચિત્ય ખાતર પણ તે કરવી પડે. જિનશાસનની હીલનાના નિવારણાર્થ પણ કેટલીક વાર કેટલીક અનુકંપા કરવી પડતી હોય છે. આમ છતાં ય મહાઆરંભ મહા સમારંભને ઉત્પન્ન કરતી અનુકંપા તો “ઔચિત્યથી પણ થઈ શકે નહિ.
અનુકંપાનાં કાર્યો માટે જે રકમ મળે તે આ ખાતે જમા થાય. દીન, દુખિત લોકો માટે આ રકમ વપરાય. તેમનાં દુઃખો દૂર કરાય. શક્ય હોય તો તેમના વ્યસનાદિ દાયોને પણ દૂર કરાવવાનો લાભ લેવો. તેમને ધર્મ કરતા પણ કરવા.
એવી દયા કદી ન કરવી કે જેના પરિણામમાં મોટી નિર્દયતા થતી હોય, સંસ્કૃતિનો કચ્ચરઘાણ બોલાતો હોય, અનેકોને નુકસાન થતું હોય. આથી અનુકંપાનું કાર્ય બેધારી તલવાર જેવું છે. ક્યારેક અનુકંપાની બુદ્ધિથી અનુકંપાના નામે ગર્ભપાતાદિ હિંસક પ્રવૃત્તિઓનું પોષણ કરાયા તો મોટો કર્મબંધ થવાની સંભાવના ઊભી થતી હોય છે. અસ્તુ.
આજના સમયમાં ધાર્મિકતાની સાથે માનવતાને (અને રાષ્ટ્રીયતાને) પણ કેળવવાની જરૂર છે. દરેક માનવતાવાદી ધાર્મિકતા ધરાવતો હોવો જોઈએ, દરેક ધાર્મિકતાવાદી માનવતાથી સંપન્ન હોવો જોઈએ; નહિ તો ઊભી બજારે તેની ધાર્મિકતા વગોવાયા વિના રહેતી નથી.
‘કલ્પસૂત્ર સુબોધિકા’ની ટીકામાં કહ્યું છે કે, “ધર્મો તો નદીતટે ઊગેલા છોડવા છે. જો નદીમાં અનુકંપા સ્વરૂપ પાણી જ સુકાઈ ગયું હશે તો તે છોડવા કેટલો સમય ટકશે ?”
શ્રમણ ભગવાન મહાવીરદેવ જેવી કરુણાને સહુએ સ્પર્શવી જોઈએ. તેમણે ગરીબ વિપ્રને કેવું વસ્ત્રદાન કર્યું હતું ! અને સંગમદેવને કેવું અક્ષુદાન કર્યું હતું ?