________________
ધાર્મિક વહીવટ વિચાર ફુગાવો એટલે શરીરનો વધારાનો મેદ. એનાથી માત્ર કાંટાનું વજન વધે પરન્તુ શક્તિ જરાય વધે નહિ, શક્તિ તો લોહીથી વધે. આ વાત પ્રસ્તુતમાં ઘટાવવી.
થોડોક પણ વિધિ જયણાવાળો શુદ્ધ ધર્મ તે ઘણો ધર્મ છે.
પોણો લીટર પાણીથી મિશ્રિત પા લીટર દૂધવાળા એક લીટર ધોળા પ્રવાહી કરતાં શુદ્ધ દૂધના પા લીટરના પ્રવાહીની તાકત ઘણી વધુ છે.
જો દાતા પૂરી ઉદારતાને કામે લગાડવા તૈયાર ન હોય તો ઉપદેશકોએ તેની ધનમૂર્છા ઘટાડવા કોશિશ કરવી જોઈએ. અવિધિ, અનાદર, સંઘ ઉપર અતિશય દબાણ વગેરે દ્વારા ઊભાં કરી દીધેલાં કરકસરિયાં ધર્માનુષ્ઠાનોમાં કોઈ તેજ આવતું નથી. અને તે અશુદ્ધિ ક્યાંક નડે છે અને ઉદ્વેગ, અજંપો કે છેવટે રકાસમાં નિમિત્ત બને છે.
શ્રમણોએ પણ અક્ષમ્ય અવિધિથી ભરેલાં અનુષ્ઠાનો ઊભાં કરતાં રહેવાનો પ્રતિષ્ઠાની ભૂખમાંથી ઉત્પન્ન થતો રહેતો મોહ ત્યાગવો જોઈએ. આવાં અનુષ્ઠાનોની આવકમાં શ્રમણોએ કોઈ શરતો કે પોતાની ટકાવારી રાખવી ન જોઈએ. એવા શ્રમણોની નિશ્રામાં આ અનુષ્ઠાનો શ્રાવકોએ યોજવા પણ ન જોઈએ. અનુષ્ઠાનોની પૂરી સફળતા માત્ર શ્રાવકોની ઉદારતાથી પ્રાપ્ત થતી નથી. પરંતુ તેની સાથે શ્રમણોનું મૂઠી ઊંચેરું નિઃસ્પૃહતા ભરપૂર ચારિત્રબળ જોડાવું જોઈએ. હા, તેમાં જો અપૂર્વ વ્યાખ્યાનશક્તિ ભળે તો તો એ અનુષ્ઠાન અત્યન્ત યશસ્વી નીવડે.
સ્વામીવાત્સલ્યમાં અભક્ષ્ય, અપેય-ત્યાગ, રાત્રિભોજન-ત્યાગ, વગેરે નિયમો બરોબર પળાવા જોઈએ. છરી પાલિત સંઘમાં સંઘપતિઓથી માંડીને તમામ યાત્રીઓએ છરી બરોબર પાળવી જોઈએ.
એમ દરેક અનુષ્ઠાન પૂરી વિધિપૂર્વકનું અને જયણાપૂર્વકનું શાસ્ત્રચુસ્ત હોવું જોઈએ. જો અડબંગ રીતે, ધનવાનોની જમાનાવાદી રીતરસમોથી ધર્માનુષ્ઠાનો વારંવાર થતાં રહેશે તો, નવી પેઢીનાં લોકો તેવાં ઢંગધડા વિનાનાં અનુષ્ઠાનોને જ “સાચાં’ ધર્માનુષ્ઠાનો માની લઈને તેની જ પરંપરા ચલાવશે. આવું ન બને તે માટે અશાસ્ત્રીય અનુષ્ઠાનોનું આયોજન, ગીતાર્થ ગુરુઓએ સંપૂર્ણપણે શાસ્ત્રીય બનાવવા માટે વધુમાં વધુ યત્ન કરવો. તે શક્ય ન બને તો પોતે તેમાંથી ખસી જવું.