________________
ધાર્મિક વહીવટ વિચાર
૪૫
ઉપધાન, છ'રી પાલિત સંઘ, સ્વામીવાત્સલ્ય, ઉજમણું વગેરે ખાસ અનુષ્ઠાનની નિશ્રા લઈને અપાતી રકમ આ ખાતે જમા થાય, આ રકમનો ઉપયોગ દાતાની ભાવના મુજબ એ જ કાર્યમાં થાય. અન્યત્ર ક્યાંય ન કરાય.
અહીં એક વાત દરેક સંઘના વહીવટદારોએ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે અનુષ્ઠાન દાતા કરાવવા ઇચ્છતા હોય તેના ખર્ચની પૂરી રકમ તેણે આપવી જોઈએ. એક લાખ રૂ. નો ખર્ચ હોય અને તે પચાસ હજાર રૂ. જ આપે. બાકીનો ભાર સંઘને માથે નાંખે. અડધી રકમમાં પોતાનું નામ તે અનુષ્ઠાનના કારક તરીકે જાહેર કરાવે એ બહુ ઉચિત તો નથી જ. જો દાતા શક્તિસંપન્ન હોય તો તેણે પૂરેપૂરી રકમ આપવી જોઈએ.
“હા, એવું ખરું કે ઓછા નકરા વગેરેથી અનુષ્ઠાનના આયોજકપણાનો લાભ લીધો હોય તો તે રીતે જાહેર કરીને લઈ શકાય.”
એટલું જ નહિ પરંતુ જો છરી પાલિત સંઘ કાઢવો હોય તો અનુકંપા અને જીવદયા માટે પણ અલગ રકમ ફાળવવી જોઈએ.
કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન સાથે આ બે કાર્યો કરવા જોઈએ. આમ થાય તો અજૈનો પણ જૈનોના ધર્મની ભરપેટ પ્રશંસા કરે. તેમ થતાં તેમનામાં આગામી ભવે જૈનધર્મની પ્રાપ્તિનું બીજ પડી જાય.
હવે જ્યારે બી.સી. લોકોનો સત્તા ભોગવવાનો સમય આવી રહ્યો છે ત્યારે તો અઢાર વર્ણની અનુકંપાનું આયોજન વારંવાર કરવું પડશે. અન્યથા તે વર્ગ ધર્માનુષ્ઠાનોના ભપકા જોઈને ભડકવાનો છે; ભયંકર તોફાન કરવાનો છે; જીવલેણ હુમલો કરવાનો છે. તેમની લાગણી જીતી લેવાનો વિચાર શ્રાવક નહિ કરે તો કોણ કરશે ?
જેમાં સ્ત્રી-પુરુષ દિવસો સુધી ભેગાં રહે છે તેવા ઉપધાન કે સંઘોમાં વહીવટદારોએ મર્યાદા પાલનમાં પૂરી કડકાઈથી કામ લેવું જોઈએ. જેથી કરીને કંઈ પણ અનિચ્છનીય બને નહિ.
વિધિનું પાલન અને સર્વત્ર જયણા વિનાનો ધર્મ એ ધર્મ બની શકતો નથી. ઘણીબધી છૂટછાટોવાળો ધર્મ એ ફુગાવો બને છે. એનાથી ધર્મક્ષેત્રની લંબાઈ-પહોળાઈ વધતી જણાશે પણ ધર્મના પ્રાણસમી ઊંડાઈ જોવા નહિ મળે.