________________
૪૪
ધાર્મિક વહીવટ વિચાર છે. એ રકમ આંબિલ ખાતાના મકાનના નિર્માણમાં કે જૈનોને આંબિલ : " કરાવવામાં તેના નોકરોને પગાર આપવામાં વાપરી શકાય.
આંબિલ ખાતાના એક માત્ર સંકલ્પથી મળેલી રકમનો ઉપયોગ અન્ય કોઈ ખાતે થઈ શકે નહિ. જો રકમનો વધારો થાય તો અન્ય સ્થળે ચાલતાં આંબિલ ખાતાંઓમાં આપી દેવી જોઈએ.
કાલકૃત ખાતું (૧૧) અખાત્રીજ, પોષદસમી, સંવત્સરી વગેરે તે તે કાળને અનુલક્ષીને જે પારણાં વગેરે થાય તે માટે મળેલું દાન કે ચડાવાની રકમ આ ખાતે જ જમા થાય. દાતાના દાનના ઉદ્દેશથી વિરુદ્ધ જઈ શકાય નહિ,
શક્ય હોય તો આવી તિથિઓનું દાન ‘કાયમી’ સ્વીકારવાને બદલે પ્રતિ વર્ષનું સ્વીકારાય તો સારું. આથી વધતી જતી મોંઘવારીની સાથે ટક્કર ઝીલી શકાય. કાયમી મોટી રકમ બેંકમાં મૂકવાથી તે રકમનો હિંસાદિ કાર્યોમાં થનારો ઘાતકી ઉપયોગ પણ નિવારી શકાય. જ્યાં શક્ય હોય ત્યાં બધે કાયમી તિથિ યોજના ટાળવાની કોશિશ કરવી ઘટે.
જ્ઞાનપંચમી, પોષદસમી, અખાત્રીજ, ચૌદસના પૌષધ, સંવત્સરી પર્વ વગેરે દિવસો (કાળ)ને અનુલક્ષીને તેનાં પારણાં, મીઠાઈનો ભાર, પ્રભાવના, આંગી, પૂજા વગેરે માટે જે રકમનું દાન મળે કે તિથિ લખાય તે રકમ આ ખાતે જમા થાય. દાતાના ઉદેશ પ્રમાણે એ રકમ આ જ ખાતે, એ જ ખાસ કાર્યમાં વપરાય. અન્યત્ર ક્યાંય નહિ.
જો એકેકા વર્ષની તિથિ માટે જ રકમ લેવાય તો બેંકમાં કાયમ માટે રકમ મૂકીને, તેના દ્વારા હિંસક કાર્યો થવાનો મોટો દોષ લાગે નહિ. કાયમી તિથિનું દાન લેવામાં આ દોષ અચૂક લાગે છે. આ વાત આપણે પૂર્વે વિચારી છે.
નિશ્રાકૃત ખાતું (૧૨)
સ્વામીવાત્સલ્ય, નવકારશી, પોસાતીને ભાર વગેરેની નિશ્રા (આધાર) લઈને જે રકમ મળે તે આ ખાતે જમા થાય. અહીં બાકીનું બધું કાલકૃત પ્રમાણે સમજી લેવું.