________________
૨૧૪
ધાર્મિક વહીવટ વિચાર
અને જીર્ણોદ્ધાર બન્ને સાથે સાથે જ તે તે ગ્રન્થોમાં બતાવેલાં છે. અને આ રીતે જીર્ણોદ્ધારાદિમાં થતા ઉપયોગને પણ જો હાનિ રૂપ માનવાનો હોય તો એ પણ બંધ કરી દેવો પડવાથી દેવદ્રવ્યને ખાલી કંજૂસના ધનની જેમ વધાર્યા જ કરવાનું રહેશે, એનો કોઈ ઉપયોગ તો કરી શકાશે જ નહીં, જે કોઈ રીતે શાસ્ત્રમાન્ય નથી.
જેમ જ્ઞાનખાતામાંથી, કોઈ સાધુ-સાધ્વીજી મહારાજને ભણાવનાર 'બાહ્મણપંડિતને પગાર અપાય કે ગ્રન્થપ્રકાશન કરાય તો એ એનો સદુપયોગ કહેવાય છે, કારણ કે એ એનું પ્રયોજન છે. તેમ દેવદ્રવ્યમાંથી પ્રભુભક્તિ થાય તો એ પણ એનો સદુપયોગ શા માટે નહીં કહેવાય ? એ પણ એનું પ્રયોજન જ છે એ તો આગળ કહેવાઈ ગયેલા અનેક શાસ્ત્રપાઠો એકીમતે જણાવે છે. વળી, જેમ, સાધુને ભણાવનાર અજૈન પંડિતને જ્ઞાનખાતામાંથી પગાર આપવા સામે ‘જો આ રીતે એમાંથી પગાર આપશો તો ગ્રન્થપ્રકાશન વગેરે અટકી પડશે, માટે એ ન અપાય’ એમ કહી એ અટકાવી શકાતું નથી, કેમ કે એ પગાર આપવો એ પણ એનું એક પ્રયોજન છે, અન્યથા આ સાધુ-સાધ્વીજીને ભણવાનું અટકી જવાનું નુકસાન ઊભું થાય છે, એમ, ‘જો આ રીતે દેવદ્રવ્યમાંથી, જ્યાં અન્ય રીતે વ્યવસ્થા શક્ય નથી ત્યાં, કેસર-સુખડ વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે તો જીર્ણોદ્ધાર અટકી પડશે' વગેરે કહી એ વ્યવસ્થાને અટકાવી શકાતી નથી. નહીંતર, પ્રભુની ભક્તિ ન થવા રૂપ નુકસાન ઊભું થાય છે જે યોગ્ય નથી.
(૭) દેવદ્રવ્યમાંથી કેસર-સુખડ વગેરે લાવી શકાય એવી સંમતિ આપવી એટલે દેવદ્રવ્યને સાધારણમાં લઈ જવું” આવું કથન તો સાવ હાસ્યાસ્પદ છે, અને બોલનારાઓની મનોવૃત્તિ અંગે શંકા પેદા કરનારું છે.
જેમાંથી શ્રીજિનેશ્વરદેવની ભક્તિ વગેરે કાર્ય તો થઈ જ શકે, પણ ગ્રન્થપ્રકાશનાદિ જ્ઞાનકાર્ય, સાધુ-સાધ્વીજી મહારાજની ભક્તિ-વૈયાવચ્ચ, પૌષધશાળા સંબંધી ખર્ચ, સાધર્મિક ભક્તિ વગેરે પણ થઈ શકે એ દ્રવ્ય ‘સાધારણ દ્રવ્ય” તરીકે સંઘમાં પ્રસિદ્ધ છે એ લગભગ બધા જાણે છે. શું સંમેલને સ્વપ્નદ્રવ્ય વગેરેને આ બધાં કાર્યોમાં વાપરવાની છૂટ આપી દીધી છે કે જેથી દેવદ્રવ્યને સાધારણમાં લઈ જવાનો આરોપ કરી શકાય?