________________
૨૧૨
ધાર્ષિક વહીવટ વિચાર
પણ હોય) તો પણ ભક્તિ કરી કહેવાય છે. તો પ્રભુભક્તિની સામગ્રી સ્વરૂપ પુષ્યાદિ સ્વદ્રવ્યના ન હોય એટલા માત્રથી જ ‘એમાં ભગવાનની ભક્તિ શું કરી ?” એવો પ્રશ્ન શી રીતે ઉઠાવી શકાય ?
ઇન્દ્ર મંગાવેલ ક્ષીરસમુદ્રનું પાણી વગેરે સામગ્રીથી બધા દેવો વગેરે પ્રભુજીનો અભિષેક કરે છે. આ સામગ્રી તે તે દેવાદિને સ્વદ્રવ્યરૂપ નથી, શું એટલા માત્રથી તેઓને માટે એમ કહી શકાય કે ‘પદ્રવ્યથી અભિષેક કર્યો એમાં ભક્તિ શું કરી ?’ તેઓના ભક્તિભાવની પ્રશંસા કરતાં તો શાસ્ત્રકારોએ કહ્યું છે કે -
येषामभिषेककर्म कृत्वा मत्ता हर्षभरात्सुखं सुरेन्द्राः तृणमपि गणयन्ति नैव नाकं प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः ॥
અર્થ : જે જિનેશ્વરદેવોના જન્માભિષેકની ક્રિયા કરીને હર્ષઘેલા બનેલા દેવેન્દ્રો આ જન્માભિષેક કરવામાં અનુભવેલા આનંદ આગળ સ્વર્ગસુખને તણખલા જેવું પણ ગણતા નથી તે શ્રી જિનેન્દ્રો પ્રાતઃકાળે કલ્યાણને માટે થાઓ.
(૫) “આ રીતે દેવદ્રવ્યમાંથી જો જિનપૂજા થવા માંડશે તો પછી શ્રાવકો સ્વદ્રવ્યથી પૂજા કરવાનું જ ધીમે ધીમે છોડી દેશે” આ વાત તો માત્ર એક કાલ્પનિક ભય દેખાડવા સિવાય બીજું કાંઈ નથી એવું લાગે છે.
આજે અનેક સ્થળોએ દેવદ્રવ્યના લાખો રૂપિયા લગાવીને જિનમંદિરો ઊભાં થાય છે તો'ય ૨૫-૫૦ લાખ રૂપિયા સ્વદ્રવ્ય લગાવીને પણ જિનમંદિર બાંધનારા પુણ્યશાળી શ્રાવકો આજે પણ જૈનસંઘમાં વિદ્યમાન છે. પોતાના સંઘમાં જિનાલય નિર્માણ માટે ચારે બાજુથી લાખોનું દેવદ્રવ્ય પ્રાપ્ત થઈ શકે એમ હોવા છતાં પોતાના સંઘમાંથી જ ટીપ વગેરે કરીને જિનમંદિર ઊભું કરવાની ભક્તિ-તમન્નાવાળા અનેક સંઘો આજે પણ વિદ્યમાન છે. દેવદ્રવ્યથી જિનમંદિર ઊભું થતું હોવા છતાં લાખો રૂપિયાથી થનારા જિનમંદિર નિર્માણ જેવાં કાર્યો સ્વદ્રવ્યથી થતાં જો અટકી ગયાં નથી તો કેસર સુખડ-પુષ્પાદિ સામગ્રી સ્વદ્રવ્યથી આવતી અટકી જશે એવી કલ્પના શી રીતે કરી શકાય ?
આ જ રીતે આંગી-મુગટ-આભૂષણ વગેરે પણ અનેક સ્થળે