________________
પરિશિષ્ટ-૨
૧૯૯
શંકા - એ તો આ દેવદ્રવ્યના નાશ માટે શાસ્ત્રમાં જે વાતો કહી છે તેના ઉપલક્ષણથી જ, ઉછામણીથી પ્રાપ્ત દેવદ્રવ્ય અંગેની વાત શાસ્ત્રમાં ન કરી હોવા છતાં, એ દેવદ્રવ્યના નાશ અંગે પણ એ જાણી જ લેવી જોઈએ.
સમાધાન - ઉપલક્ષણથી ઉછામણીથી પ્રાપ્ત દેવદ્રવ્યના નાશ અંગેની વાત સમાન રીતે લઈ શકાય છે તો ઉપલક્ષણથી જ, એના ઉપયોગ અંગે પણ કેમ ન લઈ શકાય ? એટલે કે ઉપલક્ષણથી નાશ અંગેની વાત લઈ શકાય અને ઉપયોગ અંગેની ન લઈ શકાય એમાં કોઈ વિનિગમક નથી. તેથી એવું માનવું યોગ્ય છે કે આ બધા શાસ્ત્રના રચયિતા શાસ્ત્રકારોએ, કોઈ પણ વિભાગની વિવેક્ષા વગર સામાન્યથી જ દેવદ્રવ્યના ઉપયોગો અને તેના નાશથી થતા અનર્થોનું નિરૂપણ કર્યું છે. અને તેથી, આ બધા શાસ્ત્રપાઠો, દેવદ્રવ્યથી જીર્ણોદ્ધાર કરવાનું જેમ વિધાન કરે છે એમ, તુલ્ય રીતે જ, દેવદ્રવ્યથી પૂજા-મહોત્સવાદિ કરવાનું વિધાન પણ કરે જ છે એ સ્પષ્ટ છે, એટલે ‘દેવદ્રવ્યમાંથી પૂજા વગેરે થઈ ન શકે એ વાત શાસ્ત્રમાન્ય નથી એ પણ સ્પષ્ટ છે.
તેમ છતાં, ‘શ્રાદ્ધવિધિ’ તથા ‘દ્રવ્યસપ્તતિકા’ના ‘દેવમંદિરમાં દેવપૂજા પણ દ્રવ્યથી જ કરવી જોઈએ એવું જણાવનાર ઘરદેરાસર અંગેના વાક્યમાત્રને પકડીને, આ બધા શાસ્ત્રપાઠો તરફ આંખમીંચામણાં કરી, ‘ભગવાનની પૂજા તો સ્વદ્રવ્યથી જ થાય તો જ એ પૂજાથી લાભ થાય, દેવદ્રવ્યથી ભગવાનની પૂજા કરવામાં તો દેવદ્રવ્યના ભક્ષણનો બહુ મોટો દોષ લાગે” ઇત્યાદિ પ્રરૂપવું એ સિદ્ધાન્તની યોગ્ય પ્રરૂપણા કરી ન કહેવાય. તા. ૧૪-૧૨-૩૮ ના જૈન પ્રવચનમાં કહેવાયેલું છે કે “સિદ્ધાન્તની બે બાજુ-દરેક સિદ્ધાન્તની બે બાજુ હોય છે. સિદ્ધાન્તની એક બાજુ પકડાય નહીં.”
પ્રસ્તુતમાં, ‘જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ’ એ એક બાજુ છે, માત્ર એને પકડી ન લેવાય. એને પકડી લેવામાં એકાન્તવાદી બની જવાય છે. જે મહા-અનર્થકારી છે. તા. ૧૬-૧૨-૩૯ના જૈનપ્રવચનમાં કહેવાયું છે કે -
એકાન્તવાદીઓનું કથન વાતવાતમાં વદતોવ્યાઘાતને પામે છે.