________________
૧૯૮
ધાર્મિક વહીવટ વિચાર (૨) “ આ પાઠો તો ખરેખર દેવદ્રવ્યનો મહિમા...દર્શાવનારા છે” આ માન્યતા શું સ્પષ્ટ કરે છે ? દેવદ્રવ્યથી પ્રભુપૂજા-સ્નાત્ર વગેરે દ્વારા પ્રમોદ-સમ્યક્ત્વ પ્રાપ્તિ વગેરે મહિમા રૂપ છે. એટલે દેવદ્રવ્યથી પૂજા કરવામાં દેવદ્રવ્યની હાનિ થાય એવી બૂમરાણ તો ખોટી જ ઠરી ગઈ ને !
(૩) દેવદ્રવ્ય તરીકે ઓળખાતા’ આવો જે શબ્દ પ્રયોગ કર્યો છે એના પરથી શંકા પડે છે કે ખરેખર આને દેવદ્રવ્ય માનો છો કે નહીં ?” જો દેવદ્રવ્ય માનો છો તો એમાંથી પૂજા વગેરે થઈ શકે છે એ તમારા વાક્યથી જ સ્પષ્ટ છે. જો નથી માનતા, તો શું એમાંથી સાધર્મિક ભક્તિ વગેરે અન્યકાર્યની છૂટ આપો છો ? એ તો આપવાના નથી જ, માટે “એ દેવદ્રવ્ય છે, અને એમાંથી પૂજા વગેરે થઈ શકે છે” એ સ્વીકારવું જ જોઈએ. આ પ્રશ્ન :- આ પાઠોમાં જે દ્રવ્યની વાત છે એને અમે દેવદ્રવ્ય તો માનીએ જ છીએ. પણ આ, ઉછામણીથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્ય નથી, પણ તેનાથી ભિન્ન અર્પિત પ્રકારનું દેવદ્રવ્ય છે. એટલે ઉછામણી વગેરેથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્યમાંથી પૂજા વગેરે કરવાની છૂટ આપી શકાતી નથી...
ઉત્તર : કોઈ કેવલી ભગવંત આવીને તમારા કાનમાં આવો ફોડ પાડી ગયા છે ? કારણ કે ઉપર જણાવેલ કોઈ શાસ્ત્રમાં આવું જણાવેલ નથી. વળી “આ શાસ્ત્રોમાં, આવા દેવદ્રવ્યની જ વાત છે, ઉછામણી વગેરેથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્ય (કે જેનો પ્રભુપૂજા વગેરેમાં ઉપયોગ કરી શકાતો નથી તેની) અહીં વાત નથી” આવું જો માનશો તો આ શાસ્ત્રપાઠોમાં દેવદ્રવ્યના નાશથી થનારા અનર્થો જે દર્શાવ્યા છે એ પણ તમારા કથન મુજબના દેવદ્રવ્યના નાશ અંગે જ માનવાના રહેશે અને આ સિવાય ‘ઉછામણી વગેરેથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્ય નાશથી પણ આવા અનર્થો થાય છે” એવું દર્શાવનાર અન્ય કોઈ શાસ્ત્રપાઠ તો મળતો નથી. (કારણ કે શાસ્ત્રપાઠ જે કોઈ મળે છે એમાં ઉલ્લિખિત દેવદ્રવ્યને તો તમે ઉછામણીથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્યથી ભિન્ન માનો છો.) તેથી તમારી માન્યતા મુજબ એવું ફલિત થશે કે ‘ઉછામણીથી પ્રાપ્ત થયેલ દેવદ્રવ્યનો નાશ કરવામાં આવા આવા અનર્થો થતા નથી.’