________________
૧૪૮
ધાર્મિક વહીવટ વિચાર સવાલ : [૧૪૭] સાધારણ ખાતાની આવકના સરળ રસ્તા બતાડો.
જવાબ : દેવદેવતાના ભંડારોની આવક સાધારણ ખાતે જાય તે સરળ રસ્તો. છતાં આવક કરવા માટે આવું કરવું જોઈએ નહિ. કેમ કે આમાં ‘બકરું કાઢતાં ઊંટ પેસવા’ નો સવાલ બને છે. લોકો વીતરાગ ભગવંતને છોડીને આ સરાગ દેવદેવતાની ઉપાસનામાં ઘેલા બને છે. બીજું કાયમી તિથિ - યોજના વગેરે તો નહિ જ કરવાં; કેમ કે તેમાં મોટી રકમ બેંકમાં મૂકવી પડે છે, જે રકમ હિંસાનાં કાર્યોમાં પ્રધાનપણે વપરાય છે. માટે દર વર્ષની તિથિ-યોજના કરવી જોઈએ. ધારો કે સાધારણ ખાતાનો વાર્ષિક ખર્ચ છત્રીસ હજાર રૂ. છે; તો એક દિવસની એકસો રૂ. ની તિથિ થઈ. સ્થાનિક સંઘમાં કે અન્ય સંઘોમાં આ તિથિ લખાવવાની પ્રેરણા કરવી. કોઈ દસ, કોઈ પાંચ, કોઈ એક તિથિ લખાવે. બીજા વર્ષે આ જ ભાઈઓને તેમણે લખાવેલી તિથિની યાદી આપીને તે જ પ્રમાણે ફરી લખાવવાની પ્રેરણા કરવી. રકમ મામૂલી હોવાથી કોઈ ના નહિ કહે. કદાચ ના કહે તો તેટલી ખૂટતી તિથિ માટે નવા દાતાઓ મેળવી લેવા. વાર્ષિક ખર્ચ વધે તો સોને બદલે સવાસો કે બસો રૂ. ની તિથિ પણ કરી શકાય.
કોઈ મોટા દિવસે બારમાસનાં કેસર-બરાસ, પગાર વગેરેના ચડાવા બોલાવી દેવા. તે રકમ, તેમનામાં એકબીજામાં એટલે કે કેસરપૂજામાં વધારો હોય તો ફૂલપૂજા વગેરેમાં વાપરી શકાય છે.
આમ છતાં જો રકમ તૂટે તો દેરાસરનો ગુરખો, પૂજારીનો પગાર, કેસર સુખડ વગેરે પૂજાનાં દ્રવ્યો વગેરે દેરાસરને લગતાં ખર્ચે સ્વપ્નાદિકની આવકવાળા કલ્પિત દેવદ્રવ્યમાં ઉધારવો..
વળી ગામના જૈનોના લગ્નાદિ પ્રસંગે, જન્મદિન દિવસે, સંઘના બે કાર્યકરોએ પહોંચી જઈને આ ખાતે ફાળો સતત માંગતા રહેવો.
સંઘની સાધારણ ખાતાની જગામાં સાધારણ ખાતાની રકમમાંથી દુકાનો કાઢીને ભાડે આપીને પણ સારી આવક કરી શકાય. આ દુકાન હિંસાની વસ્તુઓ, વિલાસી સાધનો વગેરે વાળાને નહિ આપવી. પહેલી પસંદગી જૈનોની કરવી.