________________
૧૨૬
ધાર્મિક વહીવટ વિચાર
જવાબ : પગાર અપાય, પુસ્તકો લવાય, પ્રભાવના કરાય. ખાવાની વસ્તુ સિવાયની વસ્તુની પ્રભાવના કરાય તો સારું.
સવાલ :[૧૧૧] જ્ઞાનખાતાની રકમમાંથી પાઠશાળાની ભણવાની ચોપડીઓ લાવી શકાય ?
જવાબ : ના, નહિ જ. વાલીઓ વગેરેએ જ તે વ્યવસ્થા કરવી જોઈએ. જ્ઞાનખાતાની રકમનો આ રીતનો ઉપયોગ શ્રમણ-શ્રમણીઓ માટે જ કરવાનો હોય છે. એટલે જ પાઠશાળાના પંડિતોને પગાર, જ્ઞાનખાતેથી આપી શકાય નહિ, કે બાળકોને ઇનામો આપી શકાય નહિ. હા, જો આવાં જ કાર્યો માટે કોઈએ રકમ ભેટ કરી હોય તો તે રકમનો આ કાર્યોમાં જરૂર ઉપયોગ કરી શકાય.
સવાલ : [૧૧૨] પાઠશાળાનાં બાળકો પોતાની પાઠશાળાના બધા પ્રકારના ખર્ચ માટે ભેટ કુપનો-બે કે પાંચ રૂ. ની-કાઢીને તે દ્વારા સહુ પાસેથી રકમ ઉઘરાવી શકે કે નહિ ?
જવાબ : આમાં કોઈ વાંધો જણાતો નથી. વળી પાઠશાલીય બાલકબાલિકાઓનો શિષ્ટતાભર્યો નાટક વગેરેનો (શાસ્ત્રવિરુદ્ધ) કાર્યક્રમ પણ રાખીને તેમાં ફાળો કરી શકાય. બાર માસનો શિક્ષકનો પગાર લખાવી શકાય. પ્રભાવના-ફંડ કરી શકાય. એમાં પ્રમુખ, અતિથિવિશેષ, મુખ્ય મહેમાન, ખાસ આમંત્રિત વગેરે પદો તે નાટકના સમારંભમાં આપીને તેમની પાસેથી સારી રકમનું દાન જાહેર કરાવી શકાય.
આ માટે ધંધાદારી એક્ટરોના કે નાટકના શો વગેરે રાખવા જોઈએ નહિ. દાન મેળવવાની આ હલકી રીત છે. સંસ્થાનું પણ આમાં અવમૂલ્યન છે.
વળી દર રવિવારે બાળકો-બાલિકાઓનું સમૂહ-સામાયિક રાખી શકાય. તેમાં પ્રભાવના-દાતા ઊભા કરવા, તે જાતે સહકુટુંબ આવે. અને પોતાના હાથે જ પોતાને ઠીક પડે તે પ્રભાવના રોકડમાં કે વસ્તુમાંઆપે. આવો કાર્યક્રમ જોઈને બીજાઓ પણ પ્રભાવના દાતા બનશે. તેમની લાઇન લાગશે; પડાપડી થશે. બાવન રવિવારો જોતજોતામાં થઈ જશે. આમાં ફંડ કરવાનું નહિ રહે, હિસાબ રાખવાના નહિ, અને નિતનવી વસ્તુઓ બાળકોને મળતા સંખ્યાવૃદ્ધિ સતત થતી જશે.