________________
ખંડ-ર સારાંશ કર્મચેતના
ખંડ-રમાં કર્મચેતના અર્થાત્ કર્માધીન વર્તતી ચેતનાવૃત્તિ વિષેની કેટલીક વિગતો રજૂ થઈ છે. તે એક રીતે સંસારીજીવની કર્મકથા, પરવશતા, અબોધતાની કહાની છે.
કોઈને પ્રશ્ન થાય કે જ્ઞાનીઓએ સંસારના સુખો પ્રત્યે આવો અણગમો-તુચ્છતા કેમ દર્શાવી ? જ્ઞાનીઓને સુખ અને દુઃખનો ભેદ નથી. પણ વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું દર્શાવ્યું છે. તે સ્વરૂપને જે ન જાણે કે ન સમજે તે ધર્મનાં મૂળને કાપવા તત્પર થાય છે. વિચારવાન મનુષ્ય વૃક્ષ પરથી ફળ ઊતારીને ક્ષુધાની તૃપ્તિ કરે છે, પણ તેના મૂળને ઉખાડી નાખતો નથી. તેમ વિચારવાન સંસારના અલ્પ સુખોમાં રાચીને, તેના ફળની મીઠાશમાં તદ્રુપ થઈને, આક્રમક થઈને ધર્મનું મૂળ ફેંકી દેતો નથી. જે તેવું કરે છે તે કર્મચેતનાવશ વર્તે છે અને ચેતનાની શક્તિનો હ્રાસ કરે છે. ભૂતકાળની-અતીતની કરણી કે ક્ષણો તેની સમક્ષ છતી થાય છે ત્યારે ચેતના કયાં તો તેની સામે સંઘર્ષ કરે છે અર્થાત્ રોગ, વેદના, દુઃખ દારિદ્ર કે પ્રતિકૂળતામાં તે કકળી ઊઠે છે. સંધર્ષ કરવાની તાકાત નથી હોતી ત્યારે કર્મને વશ થઈ તેનું શરણ સ્વીકારી લે છે અને કર્મ નચાવે તેમ જન્મથી મૃત્યુ સુધી નાચે છે. સુખમાં લોલુપ થઈ રાચે છે. અને દુઃખમાં વિવશ થઈ જાય છે. ભક્ત કવિએ ગાયું છે કે
‘“સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી સુખદુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.’’
ચેતના જેટલી સૂક્ષ્મ, ગતિશીલ, પરિવર્તનશીલ કે શક્તિયુક્ત છે તેટલી તેને માટેની વિચારણા પણ ગંભીરતા અને નિર્ણયાત્મકતા માંગી લે છે. તે સિવાય સંઘર્ષ અને વિવશતાથી જીવનના સુખ શાંતિનો ઉકેલ થઈ શકે તેમ નથી. કર્મચેતનાથી પાછા વળવા રાગાદિ કર્મશત્રુઓ સાથે સંગ્રામ ખેલવો પડે છે તેવું એક અપેક્ષિત કથન છે. પણ ત્યાં શત્રુભાવ નથી, તેનું અર્થઘટન આમ છે કે રાગાદિ મારું સ્વરૂપ નથી તેથી હું તેનો સ્વીકાર કરી શકું તેમ નથી, છતાં પૂર્વે અજ્ઞાનદશામાં
૧૮૬
આમંત્રેલા, સેવેલા, ઉદ્ભવેલા, પરભાવયુક્ત પરિબળોનાં સંસ્કારો જો મારા માર્ગની વચ્ચે વર્તમાનની પળ બનીને આવે તો તેને કોઈ પ્રકારે હાંકી કાઢવા. એટલે અહીં સંઘર્ષ નથી પણ સામર્થ્યની વાત છે. વિવશતા નથી પણ તે પરરૂપ હોવાથી તેનો અસ્વીકાર છે આ તેનો ઉકેલ છે.
કર્મસત્તા તે રેશમના દોરાની ગાંઠ છે અને તેમાં અલ્પાધિક તેલની ચીકાશ લાગી હોય તેવે પ્રકારે ચેતના સાથે જોડાયેલી રહે છે. તેથી ઉકેલવાની દુર્ઘટતા છે. સંસારમાં જ્યારે બળથી કામ થતું નથી
ત્યારે કળથી કામ લેવામાં ડહાપણ મનાય છે. રેશમના દોરા પર હથોડો મારીને ગાંઠ ઉકેલી શકાતી નથી, તેમ કરવાથી દોરો જ તૂટી જાય. તેમ કર્મસત્તાની ગાંઠ ઉકેલવા માટે કેવળ બહારનાં સાધનનું બળ ચાલે તેમ નથી. કર્મસત્તા જે વડે પ્રવૃત્ત બને છે તેવા ઉપયોગની શુદ્ધિ વડે તેને ખતમ કરી શકાય છે. આ ઉપયોગની શુદ્ધિ માનવ મન દ્વારા મહદ્અંશે થઈ શકવા યોગ્ય છે, અને પૂર્ણ શુદ્ધિ તો પૂર્ણ સંયમચારિત્રદશામાં જ પ્રગટે છે. અન્ય ગતિમાં વિશુદ્ધિ થતી રહે છે અને જીવ આગળનો વિકાસક્રમ સાધે છે પણ સંયમના, જ્ઞાનના અભાવે તે વિશુદ્ધિમાં પૂર્ણવિકાસના સાતત્યનું પરિણામ નીપજતું નથી. આથી માનવે ધર્મમય બનવા, અધ્યાત્મને પામવા, સમાધિ વરવા, ત્રિવિધપણે જીવનને ઘડવું પડશે. ૧. શ્રદ્ધા-ભક્તિ-વિનય. ૨. જ્ઞાન-બોધ-સજગતા. ૩. સંયમ-આચાર-સમતા (સમાનતા). આ ત્રિવિધમાર્ગમાં મન, વચન અને કાયાની શુદ્ધિની અત્યંત આવશ્યકતા રહે છે. તે સદ્ગુરુની વિનયોપાસનાથી સરળ બને છે.
આત્મશક્તિની નિષ્ક્રિયતામાં, અથવા જીવની પ્રમાદયુક્ત વિભાવિક દશામાં પરાડઃમુખવૃત્તિમાં, અહર્નિશ ઈંદ્રિયવિષયોમાં કે કષાયોમાં વેડફાતી, ખંડિત થતી ચેતનામાં માનવી શાંતિની શોધ કરી શકે તેમ નથી તો પછી તેની પ્રાપ્તિ તો ક્યાંથી જ થાય ? વ્યાકુળતા ઉપજાવે તેવાં સાધનો કે પ્રયોજનો વડે નિરાકુળતા કેવી રીતે સંભવ બને ? ‘સોયના નાકામાંથી ઊંટ પસાર થાય પણ શ્રીમંત પસાર થઈ ન શકે’ આવો સૂક્ષ્મમાર્ગ છે. તેમાં વિષયસુખના કે કષાયરૂપી દુઃખના
૧૮૭