________________
બીજું શ્રેષ્ઠ નિમિત્ત શુદ્ધ અવલંબન સદ્ગુરુ, સંત કે આત્મજ્ઞાનીનું છે. પ્રક્રિયા તો ઉપર પ્રમાણે છે, પરંતુ સદ્ગુરુની પ્રત્યક્ષતાથી સાધકને ઉત્તમ બોધ પ્રાપ્ત થઈ મહા ઉપકાર થાય છે. અલ્પ આરાધક કે હીન પુરુષાર્થી આત્માઓને પરોક્ષપણે પરમાત્માની ભક્તિથી જે લાભ થાય છે, તેનાથી પ્રત્યક્ષ જ્ઞાનીની નિશ્રાનો અત્યંત લાભ થવા સંભવ
છે.
- ત્રીજું શ્રેષ્ઠ સાધન સન્શાસ્ત્રનું વાચન, મનન, ચિંતન, નિદિધ્યાસન, સ્વાધ્યાય, સત્સંગ કે બોધ જેવા પ્રકારો આત્માની ચેતનાને અજવાળે છે. તેથી જીવ સ્વધર્મના-સધર્મના તત્ત્વને યથાતથ્ય જાણે છે, શ્રધ્ધ છે અને આચરે છે, જ્ઞાન અને શ્રદ્ધા હોવા છતાં આચરણ, સંયમ વગર પૂર્ણતત્ત્વને પ્રગટ કરી શકાતા નથી. આવું ઉત્કૃષ્ટ સંયમરૂપી આચરણ માનવજન્મમાં જ સંભવિત છે. છતાં જીવ સંયમને નિયમને કે વ્રતાદિ શુભસાધનોને દેહદમન કે કષ્ટ માને તો આકારે એવો માનવદેહ પ્રકારે તો પશુવતું જીવન જીવે છે તેમ સમજવું.
ધર્મચેતનાયુક્ત વર્તતો ગૃહસ્થ ગૃહનિભાવ-પરિવારના નિભાવ જેવી ફરજોમાં હોવા છતાં ઉદાસીનપણે વર્તે છે. અર્થ અને કામનો હજી યોગ છે, છતાં ધર્મને આગળ રાખી મોક્ષનું લક્ષ ચૂકતો નથી, અને પ્રમાદ ભૂલવી ન દે તેથી દાનાદિ પંચશીલને તન મન ધનથી સેવે છે. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ જ્ઞાનવૃદ્ધ થતો જાય છે, તેથી બાર વ્રતોને કે પાંચ યમાદિને યથાશક્તિ આરાધતો આગળ વધી, સંસારથી મુક્ત થઈ નિવૃત્તિમાં દશ યતિધર્મનું રૂડી રીતે પાલન કરી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે તેના અંતિમ લક્ષને પામવા સમર્થ થાય છે.
ધર્મની સાધના જો અધ્યાત્મમાં રૂપાંતર ન પામે, અને માનવી પ્રાણીમાત્રના સંબંધોમાં અમાનવીયપણે વર્તે અને ધર્મનું રટણ કરતો રહે તો અધ્યાત્મ થતું નથી. ધર્મથી પુણ્ય મળે અને અધ્યાત્મથી મુક્તિ મળે; ધર્મની આડપેદાશથી સંસારનાં સુખો યોગાનુયોગ મળી રહે છે. છતાં અધ્યાત્મમાં તેની સ્પૃહા નથી. આવો સુઅવસર એ જ મનુષ્યત્વ છે. ધર્મચેતના જીવને ઈદ્રિયના સ્થલ પદાર્થથી બચાવે છે એટલું જ
નહિ પણ શબ્દાદિ પરિવર્તનશીલ અનિત્ય પદાર્થની મર્યાદાને સમજી લે છે અને તેમાં ગમા-અણગમા કે રાગાદિભાવોના ઊઠતા તરંગોને શમાવી દે છે અને અંતરંગ આનંદને સ્વાધીનપણે આસ્વાદે છે.
માનવજીવનના આવા અદ્ભત રહસ્યો કોણ પામી શકે? ભૌતિક જગતની સુખશીલતાને પડકારે, તેના પ્રત્યે ઝૂકે નહિ, કસોટીને કે પ્રતિકૂળતાને મોકો ગણી સામે જાય અને સામર્થ્ય વડે પાર ઊતરે તે આવા રહસ્યોને પામી કલ્પાતીત સુખની પ્રાપ્તિ કરી શકે છે. તે માટે મહાવીર, બુદ્ધ કે રામ-સર્વ મહાત્માઓએ ભારે કિંમત ચૂકવી તેમના જીવનને આપણી સામે આરસીની જેમ ધરી દીધું છે. એમ કહો કે અમૃતધારા વહાવી છે. કોઈ ચાતક તે બિંદુઓ પામીને પરિતૃપ્ત થાય છે.
ધર્મ ચેતના એ આત્મારૂપ શક્તિ હોવાથી તે અમાપ, અસીમ અને અમર્યાદિત છે, તેને કથન કે લેખનમાં પૂરી શકાય તેવી કોઈની ગુંજાયશ નથી. કેવળ શુભ-શુદ્ધ ઉપયોગમાં રહેવા તે કથન-લેખન સહાયક છે, તેથી અલ્પમતિ અનુસાર તેની વિચારણા પ્રસ્તુત ગ્રંથમાં કરી છે. આગળ જણાવ્યું છે તેમ ધર્મ શબ્દને કોઈ રૂઢિ કે સંપ્રદાયના બંધિયાર વાડામાંથી બહાર કાઢી અગર તે પ્રત્યેની અરુચિને થોડા સમય માટે દૂર કરી સતુ ધર્મના હાર્દને સમજવા-જાણવા પ્રયત્ન કરવો.
વર્તમાન યુગની કેટલીક રૂઢ પ્રણાલિકા અને ધર્મક્રિયાના નિઃસત્ત્વને જોતાં વ્યક્તિઓ ધર્મના નામથી દૂર ભાગે છે, તેઓ થોડી ક્ષણો એવી સંદિગ્ધતાને દૂર કરીને એકવાર ધર્મનું રહસ્ય અર્થાત્ સાચા સુખનાં સાધનરૂપ ધર્મતત્ત્વને સમજવા થોડો પ્રયત્ન કરશે તો તેમની બુદ્ધિમાં ઊતરી ગયેલી કેટલીક અસત્ય કલ્પનાઓ ખરી પડશે અને જ્ઞાની પુરુષોએ દર્શાવેલા ધર્મનાં રહસ્યો, અનુભવેલા ધર્મનાં તત્ત્વો તેમને જરૂર સ્પર્શી જશે. ભારતભૂમિના માનવીને સહેજે ધર્મભાવના જાગૃત થાય તેવો વારસો મળ્યો છે. તેને સ્વીકારી સુખી થાવ.
- ઉન્નિષ્ઠત-જાગ્રત
૧૮૪
૧૮૫