________________
પરમતત્ત્વ પ્રાપ્તિનો, સર્વબંધન રહિત મુક્તિનો માર્ગ અચિંત્ય એવી આત્મશક્તિ સિવાય કોઈ માર્ગ નથી. અનાદિકાળના અહંકાર અને મમકારથી નીપજેલી આશા-તૃષ્ણાની શ્રૃંખલામાંથી, ભ્રાંતિરૂપ સુખદ સ્વપ્નની દુનિયામાંથી પરિણામોને, વૃત્તિઓને બહિર્મુખતામાંથી પાછી વાળી અંતર્મુખ કરવી. અરે, એક ક્ષણ માટે પણ ઘણું કપરું છે. “તે જિનવર્ધમાનાદિ સત્પુરુષો કેવા મહાન મનોજયી હતા ! તેને મૌન રહેવું, અમૌન રહેવું, બંને સુલભ હતું. તેને સર્વ અનુકૂળપ્રતિકૂળ દિવસ સરખા હતા. તેને લાભ-હાનિ સરખી હતી; તેનો ક્રમ માત્ર આત્મ સમતાર્થે હતો. કેવું આશ્ચર્યકારક કે એક કલ્પનાનો જય એમ કલ્પે થવો દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી''!
(કલ્પ એટલે અનંકકાળ-દીર્ઘકાળ) શ્રીમદ્ રાજચંદ્ર
ભગવાન મહાવીર કે બુદ્ધ કેવળ એક જ જન્મના આવા ઉત્કૃષ્ટ અભિગમથી આ તત્ત્વ પામ્યા છે તેવું નથી. જન્મોથી આ એક જ મહાનકાર્યમાં જીવને હોડમાં મૂકીને અર્થાત્ સંસારની સર્વ આશાતૃષ્ણાની સમાધિ કરીને, સર્વનો શેષ સંસ્કાર કરીને અંતિમ સર્વોચ્ચ શ્રેષ્ઠતમ પદને પામ્યા છે તે તેઓની કથામાંથી સમજમાં આવે છે. છતાં જીવો એવો પુરુષાર્થ કર્યા વગર હેમખેમ સંસારાભિલાષા સાથે મોક્ષમાં પહોંચી જવાના પોકળ મનોરથો સેવે છે. અર્થાત્ તેને સંસાર વહાલો છે તેમ દર્શાવે છે. સંસારવૃત્તિ-આસક્તિથી છૂટવાનો કામી આવા સત્પુરુષોના ચિરત્રોના ગુપ્ત રહસ્યોનું સંશોધન કરી તેમાં વૃત્તિને જોડેલી રાખે છે અને તે ધર્મનું રહસ્ય પામે છે, એ જ ધર્મનું તત્ત્વ છે.
બુદ્ધિપ્રધાન વ્યક્તિઓ લોકોની બુદ્ધિનું રંજન કરવા કેટલાક વિધાનો કરે છે, તેઓને રામના વચનપાલનમાં, પિતૃભક્તિમાં કે વનમાસ દરમ્યાન ઋષિમુનિઓ પાસેથી ધર્મતત્ત્વની પ્રાપ્તિ કે વૃદ્ધિ થશે તેવી કલ્પના ન આવવાથી તેઓ કેવળ બુદ્ધિના તદ્દન ઉપરના સ્થૂલ સ્તરેથી વિધાન કરે છે, કે રામ પોતાનો ભાગ, પોતાનો અધિકાર માંગી શકતા હતા. સીતાએ રામ સાથે દુઃખ ભોગવવાની શી જરૂર
૧૮૨
હતી ? પિતાને ત્યાં પણ ક્યાં ઓછું સુખ હતું ? અને વળી પ્રભુભક્તિ કે પરોપકારનાં કાર્યો પણ થઈ શક્યાં હોત. ભલે આવી વાતો લોકરંજન
માટે થતી હોય, પણ એ રખે ભૂલતા કે રામ એ તો આ ભારતની ધરાનું સમતાસ્વરૂપમય એક અનોખું અને અખિલ દેવત્વનું પ્રાગટ્ય છે. રાજગાદી મળી કે વનવાસ મળ્યો બંને પ્રત્યે સમભાવ, ન હર્ષ કે ન શોક. રાજગાદી મળવાથી હર્ષનો ઊભરો ન ચઢ્યો કે વનવાસ મળવાથી ક્ષોભ ન થયો. ભરત રાજ કરે કે રામ રાજ કરે તેમાં કોઈ અંતર સમજાયું ન હતું. રાવણે સીતાનું હરણ કર્યું તો ક્ષાત્રધર્મ બજાવ્યો પણ રાવણ પ્રત્યે સમદષ્ટિ હતી, તેથી તો લંકા જવાના સેતુ પર રાવણની પુરોહિતપદે સ્થાપના કરી તેની આશિષ લીધી, રામકથાના સર્વ પ્રસંગો શ્રીરામની સમતાના દર્શન કરાવે છે, તેમના જીવનની એ ચમત્કૃતિને સમજવા, શ્રદ્ધવા અને આચરવા જે પ્રયત્ન કરશે, તે રામના નામે પથરા તર્યા, તો માનવ તો જરૂર તરી જશે તે ધર્મનું તત્ત્વ છે.
મહાભારતના શ્રીકૃષ્ણએ જગતને અર્જુન દ્વારા અનાસક્ત ભાવનો સંદેશો આપ્યો છે. ગીતામાં કોઈ અહિંસાદિપંચાચારનો ઉપદેશ મુખ્યપણે ભલે ન હોય, છતાં શ્રીકૃષ્ણના વિશદ માનસ ઉપરથી અંકાયેલો ગીતાનો બોધ એ કેવળ યુદ્ધકથા નથી પરંતુ જીવનસંગ્રામમાં કેવી રીતે વિજ્યી થવું, મધ્યસ્થ રહેવું, ફરજનું કરજ ચૂકવવું તેની હિતશિક્ષા એમાં સમાયેલી છે.
ધર્મચેતનાને સક્રિય રાખવા, કર્મચેતનાથી વિમુક્ત થવા, ધર્મતત્ત્વને જાણવા, સમજવા, શ્રદ્ધવા અને આચરવાની આત્મભાવે અંતરના અતલ સ્તરેથી અભીપ્સા જાગશે ત્યારે આ જગતનું કોઈ પ્રલોભન જીવને રોકી શકવા સમર્થ નથી.
એ ધર્મતત્ત્વની અભીપ્સાને જાગૃત કેમ કરવી ? પ્રગટેલા દીવાથી કે દીવાસળીથી દીવો પેટે તે વ્યાવહારિક વાત તો આપણી સમજમાં છે. તેમ જ્યાં પરમતત્ત્વ પ્રગટ થયું છે તેવા પરમાત્મા-સર્વજ્ઞ-વીતરાગના શુદ્ધ અવલંબનથી આત્મચેતના પ્રદીપ્ત થઈ શકે, તેમની ભક્તિ કરવાથી અને તન મન ધન નિર્દોષભાવે તેમના ચરણમાં સમર્પિત કરવાથી કોઈ ચિનગારી પ્રાપ્ત થતાં આત્માનુભૂતિ પ્રાપ્ત થઈ શકે.
૧૮૩