________________
તેને પ્રગટ થવાની ચરમસીમા તો માનવજન્મમાં છે. કીડીમાં ચેતના છે પરંતુ તે દુ:ખમુક્તિનો સર્વથા ઉપાય યોજી નહિ શકે, હાથીનું શરીર મોટું છે, છતાં તે પણ શાશ્વત સુખના સાધનને યોજી નહિ શકે. કારણ કે મુક્તિના માર્ગે જવાની તેની પાસે ધર્મચેતના પ્રગટે તેમ નથી. આમ માનવ સિવાય કોઈપણ ગતિમાં શાશ્વત સુખનું સાધન સુસાધ્ય નથી. આથી ધર્મ વિનાના નરને પશુ કહ્યો છે. પશુતામાં રિબાતા, પીડાતા, અથડાતા જીવને ધર્મ જ ધારણ કરી બહાર કાઢી શકે તેમ છે.
જ્ઞાનીપુરુષોનું કથન છે કે સંસાર એકાંત દુઃખનું જ સ્થાન છે. કોઈ જીવને પ્રશ્ન થાય છે કે તો પછી મહેલમાં રહેનારા, પાંચે ઈંદ્રિયની ક્ષમતાવાળા, બેંકના ખાતાને છ-સાત આંકડાથી છલકાતું રાખનારા, સમાજમાં માનપાન પામનારા, રાજ્યમાં સત્તા ધારણ કરનારા અને વિદ્વત્તાથી દુનિયાને ચમકાવનારા કેવા મોજ કરતા, હરતા, ફરતા, અને સુખી જણાય છે ? છતાં તે સુખી નથી ?
ભલા ! આનો જવાબ જ્ઞાની-ગુરુજીને શા માટે પૂછે છે ? તે દરેકના હૃદયમાં પેસી જા, તને સઘળું તાદશ્ય થઈ જશે. મહેલમાં રહેનારને મૃત્યુનો ભય ખરો ? શરીરને રોગનો ભય ખરો ? હીરા માણેક લૂંટાવાનો ભય ખરો ? બેંકના ખાતાને કરચોરીનો ભય ખરો? માન મેળવનારને તે સાચવવાનો ભય ખરો ? સત્તાધીશને ખુરશી જતી રહેવાનો ભય ખરો ? પંડિત-શાસ્ત્રીને વાદમાં હારી જવાનો ભય ખરો ? આમ બીજા પણ અનેક પ્રકારનાં દુઃખો તેમને હોય છે. પરંતુ તે દુ:ખો અને ભયમાં જીવવા ટેવાઈ ગયેલો એમ માને છે કે પડશે તેવા દેવાશે. અત્યારે તો આપણે સુખી છીએ. અહીં જ એ ભયંકર ભૂલ ખાઈ જાય છે. મનુષ્યત્વને વિસરીને તે જે કાર્યો કરે છે તે વડે જ્યારે તે અધોગતિમાં પડે છે ત્યારે પડશે તેવા દેવાશે એવું કહેનાર પાસે સ્વસ્થ મન કે ઈંદ્રિયોની પ્રાપ્તિ જ હોતી નથી. પેલા ભયોમાં જીવવાની આદત અને સુખની આશા-કલ્પનાઓ પાસે તેને આ અવદશાનો ભય કોઈ તરંગ સમો લાગે છે. આજ તેનું મહાન દુઃખ છે. જેમાં આત્માનું વિસ્મરણ છે, ધર્મ ચેતનાનું મરણ છે,
૧૮૦
માનવજીવનનું આ અજ્ઞાનમય પાસું છે.
બીજો પ્રકાર એવો છે કે જે ધર્મક્રિયાઓ માત્ર કરે છે, ધર્મક્ષેત્રોમાં જાય છે, યાત્રાઓ કરે છે, સત્સંગ-પારાયણોમાં જાય છે, ભક્તિની ધૂન મચાવે છે, શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, યોગાભ્યાસની ફળદ્રુપતા વધી છે, દાનનો મહિમા વધ્યો છે. સંઘો, ગામેગામ ઊમટયા છે, પણ શું બન્યું છે.
“આખીયે અવનીનાં તીર્થોમાં ભટકયો ને નદીએ નદીએ હું નાહ્યો', મંદિરે મંદિરે દીપક જલાવ્યા તોયે ના લાધ્યો કિનારો-રે.... શાસ્ત્રો ને ગ્રંથો મેં સેવ્યા નિરંતર ને યોગ સાધન બહુ કીધાં ભક્તિના ભાવમાં ભાન ભૂલ્યો તોય મર્યાં નહિ મનના વિકારો રે-.... પ્રભુ મારી અંતરની આંખ ઉઘાડો....''
આમ કેમ બન્યું ? આથી સંતોએ પ્રકાશ્યું કે ધર્મ એ ગુપ્ત રહસ્ય છે, આત્મની નિજી શક્તિ છે, તેને કેન્દ્રમાં ન રાખીને તેની શક્તિને પ્રગટ થવાના સાધનોથી દૂર રહીને સંસાર સુખના અભિલાષી જીવો ધર્મક્રિયાઓ કરે છે, એટલે તેનું ફળ આવે છે પણ જીવ સંસારના કુંડાળામાંથી બહાર નથી નીકળતો. શુભ કરીને સંસારનાં અલ્પ સુખોથી રાજી થઈ જાય છે. ભૂખ્યું કૂતરું હાડકાને જોર જોરથી દાંત વડે ખાય છે, અને પોતાના જ પેઢાના લોહીને ચાટીને તૃપ્તિ માને છે. એમ નાના પ્રકારની ધર્મક્રિયાઓ કરીને, આ કાળમાં આથી કંઈ વિશેષ થઈ શકે તેવું નથી તેવા હીનપુરુષાર્થને આગળ કરીને અંતરના ઊંડાણમાં સંસારસુખની અભિલાષા સેવી પોતાના આત્મધનને વટાવી તૃપ્તિ માની લે છે. પોતાના જ પ્રયત્નોને વ્યર્થ બનાવે છે.
સર્વજ્ઞનો-વીતરાગનો ધર્મ કંઈ જુદુ જ કહે છે, કે ધર્મ એ તો આત્માનો પ્રાણ છે, તે પ્રાણ ધર્મરૂપે ધબકતો રહે તે ધર્મચેતના છે. ધર્મચેતના જેની જાગૃત થઈ છે તે આત્માને આગળ રાખે છે, તેમાં રહેલા સત્-ચિત્-આનંદ પ્રત્યે તેનું લક્ષ છે, તેના આંશિક આસ્વાદને માણતો સત્પુરુષોની નિશ્રાએ આગળ વધે છે, તેને સંસારમાં ઈંદ્રોના અને નરેંદ્રોના અઢળક સાધન સંપત્તિ કે ઐશ્વર્ય પણ પરમ શાંતિના
અનુભવ પાસે તુચ્છ લાગે છે.
૧૮૧