________________
પાસેથી લોટ લાવતા હતા તે ખેડૂતના ભાવિને ઠોકર મારી તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે, ‘હે પ્રભુ ! જો દુષ્કાળ પડે તો આ લોટના ભાવ વધે અને સારી રકમ મળે. માટે આટલી વિનંતી સ્વીકારજે.' વાહ માયાના ખેલ તો જુઓ ! માનવી, માનવ મટી કેવો દાનવ બને છે ?
પ્રભુને ત્યાં દેર છે પણ અંધેર નથી. લોકોના ખ્યાલમાં પણ ગુરુ-શિષ્યનો લોભ અને પ્રપંચ આવી ગયા હતા. પ્રારંભમાં તો તેઓ વધેલા લોટનો એક ગ્રામ પણ સંગ્રહ કરતા નહિ, દીન દુ:ખીને વહેંચી દેતા. હવે તો લોટ માટે બીજી ઝૂંપડી ઊભી કરવી પડી હતી એટલે એક બાજુ લોકોએ લોટ આપવાનું ઓછું કર્યું અને બીજી બાજુ એવો વરસાદ પડયો કે બાવાની ઝૂંપડી અને લોટ બધું તણાઈ ગયું. ગામમાં નીકળે તો હવે કોઈ લોટ આપે નહિ. એટલે પ્રાર્થનામાં કરેલું દુર્ધ્યાન સુકાળ તો લાવ્યું પણ તેમના લમણામાં જ તે દુઃખરૂપ ઝીંકાયો. આખરે તેમને ગામ છોડી, કુદરતની સજા પામી અન્યત્ર જવું પડયું. જ્યાં ત્યાં રખડી-રઝળીને ઉદરપૂર્તિ કરવી પડી.
માયાનો બીજો પ્રકાર પ્રપંચ કે કપટ છે. અહંકાર, મોહ, પ્રપંચ, છળ, કપટ, એ માયાના કઠપૂતળા છે. માયા જે દોર છોડે તેમ પૂતળું નાચવા લાગે છે.
માયા, છળ, પ્રપંચ એ પશુયોનિના સંસ્કાર છે. પશુ તો સંજ્ઞા અને પ્રકૃતિવશ જીવે છે, ત્યાં સંકલ્પબળ નથી પણ સંજ્ઞારૂપી કર્મફળનું બળ હોય છે. તેથી તેઓ અજ્ઞાન અને પરાધીન છે. માનવ શુદ્ધ સંકલ્પ કરવાને સ્વાધીન છે. જ્ઞાનપ્રાપ્તિનું તે ભાજન છે. ધર્મનું શરણ પ્રાપ્ત કરી શકે છે, પ્રભુભક્તિ વડે પાવન થઈ શકે છે, સ્વલક્ષ વડે સ્વપુરુષાર્થ કરે તો માયાથી મુક્ત થઈ શકે છે. માયા એવી લપસણી ભૂમિ છે કે એકવાર લપસ્યો કે અંદર ખૂંચતો જાય, દીર્ઘકાળ ચાલ્યો જાય, દુ:ખ વેઠે તો પણ તે માયાથી છૂટકારો પામવા પ્રયત્ન કરતો નથી. લીમડાના રસથી ગળ્યું મોઢું કરવા ઈચ્છે તો તે કોઈ કાળે શકય નથી, તેમ માયાથી નિર્દોષ સુખ શકય નથી.
૭ લોભયુક્ત કષાયના પરિબળો :
લોભને પાપનું મૂળ કહ્યું છે, અને સર્વ પાપનો બાપ પણ કહ્યો
૧૫૪
છે. આથી લોભ વિષે ખૂબ ઊંડાણથી સમજ કેળવી તેની મંદતા કરવી, અને ક્રમે કરી તેનાથી દૂર-સુદૂર રહેવું.
લોભને થોભ નથી તેથી જીવ લોકથી ક્ષોભ પામીને તેને વશ થઈ જાય છે. ધનને લોભવશ જીવ મૃત્યુને નોતરે છે. કોર્ટ કચેરીના આંટા મારે છે પણ થોડું જતું કરી શકતો નથી, લોભવશ ગમે તેવા પાપ કરી ધન એકઠું કરવા પ્રેરાય છે. લોકોની ખુશામત કરવા તૈયાર થાય છે.
લોભ સાથે કૃપણતા, દંભ, પ્રપંચ, તૃષ્ણા, સ્વાર્થ, અસત્ય જેવા દુર્ગુણો જીવને નીચો પાડે છે.
લોભી મનુષ્ય કદાચ થોડી ઉદારતા કે સરળતા રાખશે તોય કંઈ વધુ લાભ મેળવવાની આશાએ. કહેવત છે કે ‘લાલો લોભ વિના લોટે નહિ.'
એક વણિક (લાલો) હતો તે બજાર વચ્ચેથી પસાર થતો હતો. માર્ગમાં તેણે સોનાની કંઠી જોઈ, ગામમાં પ્રતિષ્ઠિત ગણાતો હતો. જો કે તેના લોભને સૌ જાણતું હતું. સોનાની કંઠી જોયા પછી જતી કરવી તે શકય ન હતું અને બજાર વચ્ચે વ્યાપારી થઈને તે લેવા જાય તો લોકો જુએ, આબરૂ જાય અને કંઠી જાય. ‘નાણું જાય અને નોખ જાય'. એટલે વ્યાપારીએ તરત જ યુક્તિ કરી. પગને ઠેસ મારીને જાણે વાગી હોય તેમ પડી ગયા અને એક-બે ગુલાંટિયા ખાઈ લીધા. તેમાં કંઠી લઈને ખીસામાં મૂકી દીધી. લોકોએ જોયું કે બિચારો પડી ગયો છે, વાગ્યું હશે. તેથી તેને ઊભો કરવા આવ્યા. એક વિચક્ષણ ગૃહસ્થે તરત જ કહ્યું કે ‘લાલો લોભ વગર લોટે નહિ”, તેથી તેમણે ધૂળ ખંખેરવાને બહાને વ્યાપારીના કપડાં ખંખેર્યા, ખીસ્સા પર પણ હાથ લગાવ્યો, અને સોનાની કંઠી છતી થઈ ગઈ.
લોભવશ માનવી બાહ્ય વ્યવહારમાં તો નીચો પડે છે, પણ અંતરધન લૂંટાઈ જાય છે તેનો તેને ખ્યાલ જ નથી આવતો. લોભની પટરાણી તૃષ્ણા છે અને તેનો પ્રભાવ પ્રચૂર હોય છે. તૃષ્ણા જીતવી દુષ્કર કહી છે. દરેક ક્ષેત્રમાં તેણે જાળ બિછાવી છે. છતાં જીવને તેનો કંઈ ખ્યાલ જ આવતો નથી. લોભવશ વ્યવહારના સંબંધો વણસે છે.
૧૫૫