________________
આમ કર્મચેતના એક લપડાક મારી આગળ વધી તેઓ આત્મભાવ ભૂલી અનાત્મભાવમાં સરી પડયા. ખેર ! થયું તે થયું હજી શેઠને ત્યાં મીઠાઈ તો રહી હશે. માટે તેમને ઘેર જ પહોંચી જાઉં, શેઠ તો રાજી થશે અને મને તૃપ્તિ થશે.
સંન્યાસી તો શેઠના ઘર તરફ ઊપડયા. ઈચ્છાવશ પગ પણ જોરમાં ચાલતા હતા. ચોમાસાના દિવસો હતા. ગામમાં ખાડા અને માર્ગો પાણી કાદવથી ભરેલા હતા. સંન્યાસીજી બહારથી તો જય શંભો' બોલતા હતા, અંદરમાં ‘જય બરફી’ ચાલતું હતું. ત્યાં પગ લપસ્યો અને તેઓ ખાડામાં પડી ગયા. શરીર અને કપડાં કાદવમાં ખરડાઈ ગયાં. ત્યાં વળી શેઠ દુકાનેથી પાછા ફરતાં ત્યાંથી જ પસાર થતા હતા, શેઠ જોયું કે સંન્યાસી ખાડામાં પડયા છે. તેમણે પ્રેમપૂર્વક સંન્યાસીજીને હાથ આપીને બહાર કાઢયા. કથામાં સંન્યાસી સૌને સંસાર-ખાડામાંથી બહાર કાઢવાનો ઉપદેશ આપતા હતા. અહીં શેઠે સંન્યાસીને ખાડામાંથી બહાર કાઢયા. કર્મચેતના જ્યારે આકાર લે છે ત્યારે ગાડી આમ અવળા પાટે ચાલે છે.
છતાં સંયમ હતો, સંન્યાસીનો વેશ હતો એટલે તેઓ જાગૃત થઈ ગયા. ખાડામાં પડયાને જ અંદરથી ધર્મચેતનાએ સંકેત આપ્યો, હે જીવ ! બસ થયું, જરાક અમથી નજરમાં આકર્ષણે તને કેવા ખાડામાં ઉતારી દીધો, પ્રભુનો પાડ માન કે વચમાં આ ખાડો આવ્યો, નહિ તો ભવખાડામાં ઊતરવાનો દિ' નજીક હતો. પછી રોજે શેઠના ઘરની મીઠાઈનો ચસકો અને તે પછી કેટલીએ વાસનાની પરંપરા ઊભી થાત, જીવ હવે અહીં રોકાવાનું તારું કામ નથી.
શેઠજીનો ટેકો લઈ સંન્યાસી ખાડામાંથી બહાર નીકળ્યા શેઠજીએ વિનંતી કરી કે ઘર નજીક છે પધારો, પણ તેઓ તો સાંભળવા જ ઊભા ન રહ્યા. સીધા ગામના પાદર ભણી ઊપડયા, એટલું જ નહિ પણ ઝૂંપડી સામુંય જોવા ના રહ્યા. તળવાની પાળે જઈ શરીર અને કપડાં સ્વચ્છ કરી, ગામને રામ રામ કરી જંગલની વાટે, સીધા ગુરુજીની સમીપે પહોંચી ગયા, શેષ જીવન નિઃસંગતામાં ગાળી, જીવન સાર્થક કરી ગયા.
૧૩૮
હિતશિક્ષા :
સંન્યાસી પાસે તો સંયમ હતો, સાધના હતી, આત્માનું સંધાન હતું. ગુરુજીની નિશ્રા હતી, ભલે એક ઝોકું ખાઈ લીધું. પણ જાગૃત થઈ માર્ગમાં આવી ગયા. પણ જે જીવો પાસે આત્માની કોઈ વાત
નથી, સદ્ગુરુનો બોધ નથી, તેમની આ પંચેન્દ્રિયો શું દશા કરશે ? તે જીવો તેનાં પરિણામો ભલે જાણતા ન હોય. પણ જેમ ગોળ ખાવાથી મોં ગળ્યું થાય છે, લીમડાના રસથી મોં કડવું થાય છે, પદાર્થના સંયોગથી પરિણામ આવ્યા વગર રહેતું નથી, તેમ જીવના વિષયાકારે થતાં પરિણામો, શુભાશુભ ક્રિયાઓ, દુષ્કૃત્ય કે સુકૃત્યના કાર્યોનું પરિણામ આવ્યા વગર રહેતું નથી. કર્મ કે કુદરતની વ્યવસ્થા જ એવી છે કે અવિરત ગતિએ યથાસમયે તેનું પરિણામ નીપજ્યા કરે છે. કર્મથી કે મૃત્યુ જેવા તથ્યોથી બચવા ગમે તેટલા પ્રયત્ન કરનાર તે પરિણામોમાંથી બચી શકયા નથી. તે આપણે રોજે જોઈએ છીએ, પણ આપણે તેમાંથી બાકાત છીએ તેમ જાણીને નિર્ભય થઈ જગતની એ જ ચક્કીમાં સામે ચાલીને પીસાઈએ છીએ. બે ઈદ્રિયોના દૃષ્ટાંત ઉપરથી અન્ય વિષયોની લીલા સમજી લેવી.
“ચલતી ચક્કી દેખ કે દિયા કીરા રોય,
દો પાટન કે બીચમેં, બાકી બચા ન કોય.'' ઘંટીના બે પડમાં દાણા બધા જ પીસાઈને લોટ થઈ જાય છે. ખીલામાં કે ઊછળીને બહાર પડેલા દાણા જ બચી જવા પામે છે. તેમ રાગ-દ્વેષના પાટાની ઘંટીમાં સંસારના જીવો પિસાઈ રહ્યા છે. તેમાંથી કોઈ બચી શકતું નથી. જે ધર્મના ખીલામાં આવી જાય છે તે બચી જવા પામે છે.
૭. કર્ણેન્દ્રિયના વિષય સુખની ભ્રાંતિનું દૃષ્ટાંત :
કોઈ નગરની રચના એવી હોય છે કે તેમાં તમે ક્યાંથી પ્રવેશ કર્યો અને ક્યાં નીકળવું તે સમજી ન શકો, એના એજ પ્રવેશની આજુબાજુ આંટાફેરા કરો પણ જો માર્ગદર્શક ન હોય તો તમે બહાર નીકળી ન શકો. માનવનું મન એક મહા ભૂલભૂલામણી જેવું છે. તેમાં વૃત્તિઓ ક્યારે અને કેવી રીતે ઉઠે છે, જીવ તેની સાથે એવો
૧૩૯