________________
જિજ્ઞાસુને પ્રારંભની દશામાં વશેન્દ્રિય થવું કેવું અઘરું છે તે વિચારશું. આપણે સર્વજ્ઞ વીતરાગની સમક્ષ નિરાબાધ એવા શિવ સુખની પ્રાપ્તિની વાંછના કરીએ છીએ અને ભક્તિ દ્વારા તેની રજૂઆત કરીએ છીએ, છતાં બીજી જ પળે કેવા ઈંદ્રિયવશ થઈ જઈએ છીએ ! સાંજે ભક્તિ કરીને શિવસુખની અભિલાષા સેવીને ઊઠયા, અને સૂવા ગયા ત્યાં આપણને સૂવા માટે વાતાવરણ અનુકૂળ મળે, સુંવાળા ઓઢવાપાથરવાના મળે, શિયાળામાં દિવસે સૂર્યનો તાપ મળે, ઉનાળામાં વાતાનુકુલિત જેવા સાધનોથી ઠંડક મળે, કામવાસના તૃપ્ત થાય તેમાં સુખ લાગે છે અને તે સર્વ જો વિપરીત મળે તો દુઃખ કે ક્લેશ થાય છે, તે સમયે પ્રભુ પાસે કેવી કેવી કાકલૂદી-રજૂઆત કરી હતી. માનસિક કલ્પનામાં તો સર્વ સાંસારિક વાસના ત્યજી શિવસુખ માણ્યું હતું, તે સર્વ વિસ્તૃત કેમ થઈ ગયું ? ત્યાં કર્મચેતના સક્રિય બની ગઈ તેથી સુખની માન્યતામાં વિપર્યાસ થયો. જ્ઞાનધારાયુક્ત ચેતનાનું સહજ કાર્ય એ છે કે જે કંઈ મળ્યું તે ઠીક છે. ભક્ત તેમ જાણે છે અને પ્રભુભક્તિના આનંદમાં અને સ્મરણમાં પરિણામોને સ્થિર રાખવા ઉદ્યમી રહે છે. નિદ્રા તો લે છે. છતાં કોઈ પદાર્થમાં આસક્તિ નથી. નિદ્રામાં પણ તે પ્રભુનું સ્મરણ રટે છે.
પાંચે ઈંદ્રિયના સુખમાં સ્પર્શ-કામસુખનો ત્યાગ કપરો કહ્યો છે, વ્રતમાં અહિંસા મુખ્ય હોવા છતાં બ્રહ્મચર્યવ્રતને કઠિન કહ્યું છે. અહિંસા ધર્મમાં અન્ય જીવો પ્રત્યે અનુકંપા અને સ્વધર્મમાં જાગૃતિ મુખ્ય છે. બ્રહ્મચર્યવ્રત પરમતત્ત્વની પરમભક્તિ વડે સહજ સાધ્ય બને છે. આત્મસ્વરૂપમાં રમણતા-સ્થિરતા એ બ્રહ્મ છે. તેમ થવાથી કામવાસના નિર્મૂળ થાય છે. બ્રહ્મચર્યને વ્રત તરીકે સ્વીકાર્યા પછી પણ સંસ્કારવશ તેનો ઉદય ગુણશ્રેણિ પ્રમાણે નવમા ગુણસ્થાને વિરામ પામે છે, ત્યાં સુધી વ્રત તરીકે સ્વીકારીને તેના મૂળનો છેદ કરવાનો પ્રયાસ અવશ્ય કરવાનો છે, બ્રહ્મચર્યવ્રત સાથે બીજા વ્રતોમાં વૃદ્ધિ અને શુદ્ધિ થતી રહે છે.
કોઈ કહેશે કે અમે તો બ્રહ્મચારી છીએ, અમારે બ્રહ્મવ્રતની કંઈ જરૂર નથી. જીવે આવો ભ્રમ સેવવા જેવો નથી.
૧૨૨
સંભૂતિ મુનિ જેઓ મહાવ્રતધારી હતા છતાં એક સુંદર સ્ત્રીરત્નના વાળના સ્પર્શથી એ સુખની પ્રાપ્તિ માટે તેમણે બધાં વ્રતોને હોડમાં મૂકી દીધાં. શુભક્રિયા, વ્રત અને ઉગ્ર સંયમનું નિયમથી જે પરિણામ આવવું હતું તે નીપજ્યું. તેઓ કાળધર્મ પામીને ચક્રવર્તી થયા અને ભોગનિદાનના પરિણામે અતિભોગી થઈ નરક ગતિને પામ્યા. કોઈ આવા નિયમનો સ્વીકાર કરે કે ન કરે તેથી કંઈ પરિણામ નિરર્થક નીવડતા નથી.
વળી વિશ્વામિત્ર ઋષિનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. આવા ઋષિમુનિઓ પણ જ્યાં સુધી પૂર્ણતાને પામ્યા નથી ત્યાં સુધી બ્રહ્મના ભ્રમમાં રહે કે અમને અબ્રહ્મ નથી, તો પરિણામ ભૂલમાં પડતું નથી. તો પછી સામાન્ય સાધકની તો વાત શું કરવી ? માટે મનરૂપી વાહનને સંયમની બ્રેક જરૂરી છે.
♦ સ્પર્શેન્દ્રિય શા માટે વધુ બળવાન છે ?
આ બાબતમાં શાસ્ત્રકથનને અંગીકાર કરવું. અને સૂક્ષ્મ વિચાર વડે શ્રદ્ધાન કરવું, જેથી બ્રહ્મવ્રતમાં સ્થિરતા થાય.
જીવ માત્ર અનંત કાળ સુધી સૂક્ષ્મ યોનિમાં અને એકેન્દ્રિયમાં જ રહ્યો છે. એટલે કે તેણે ફકત એક સ્પર્શ ઈંદ્રિયને જ અનંત કાળ સુધી ધારણ કરી છે. તે ઈદ્રિય એટલે ફકત દેહ. અનંતો કાળ દેહ જ ધારણ કરીને દેહભાવ-જડભાવ સંજ્ઞાબળે વિકસતો ગયો છે, તેથી દેહને જ સંજ્ઞાબળે સુખનું સાધન માન્યું છે. તે સંજ્ઞા બળવત્તર થતી જાય તેમ દેહ પ્રત્યેની મમતા વધુ ગાઢ થતી જાય છે. તેમાંય કામવાસનાની ઉત્તેજનાને કારણે દરેક યોનિમાં જીવ અબ્રહ્મને જ સેવતો આવ્યો છે તેથી તેને જીતવી અતિ દુષ્કર કહી છે. ♦ ધર્મચેતનાયુક્ત આત્માર્થી કેવા ભાવ કરે છે ?
ધર્મચેતનાયુક્ત આત્માર્થી દેહના સુખને સુખરૂપે જાણતો નથી. હજી દેહાધ્યાસ છે. વિષયસુખબુદ્ધિનો સમૂળો વિલય થયો નથી, પરંતુ તેને શ્રદ્ધામાં નિર્ણય થયો છે, વિષયરસના સુખો તે સુખ નથી, તેથી તે શીલવ્રત જેવાં વ્રતો દ્વારા બ્રહ્મવ્રત પ્રત્યે યાત્રા કરે છે, બ્રહ્મચર્યનિષ્ઠ સાધક સ્વાદનો સંયમી હોય છે. સ્નાન-વિલેપનનો સંક્ષેપી
૧૨૩