________________
૭ દેવગતિ વિષયક :
સૃષ્ટિમંડળમાં ત્રણ લોકની માન્યતા છે : નીચે નારકલોક છે, મધ્યમાં મૃત્યુલોક છે અને ઉપરના સ્થાનોમાં દેવલોક છે. દેવલોકમાં રોગ, જરા કે જન્મનાં દુ:ખો નથી. હાડમાંસના શરીર નથી. વૈક્રિયલબ્ધિવાળાં શુભ શરીર હોય છે. સુખભોગની વિપુલ સામગ્રી હોય છે. તેમાં પણ ઊંચા-નીચા દેવોના સંઘર્ષો ચાલે છે. પરંતુ ઉત્તમ દેવલોકમાં છે તે તો જ્ઞાન સહિત હોવાથી સુખભોગમાં પણ પરમાત્માની, તીર્થંકર દેવોની ભક્તિમાં અનુરક્ત હોય છે અને મનુષ્યપણું પામવાની ઝંખનાવાળા હોય છે જેથી સંયમ અને ત્યાગને આરાધી મનુષ્યપણું પામી મુક્તિની પ્રાપ્તિ કરી શકે. આ વિષેનો વિસ્તૃત અભ્યાસ કર્મગ્રંથ જેવાં શાસ્ત્રોમાંથી કરવો.
ચારે ગતિમાં મનુષ્ય અવતાર જ રત્નચિંતામણિ જેવો કહ્યો છે, ચિંતત વસ્તુ ફળે તેવો આ જન્મ સંસારસુખમાં વ્યર્થ જાય છે, મોક્ષ પ્રત્યેના સંકલ્પમાં સાર્થક થાય છે. અર્થાત્ આ જન્મ નિર્ણય કરવા માટેનો છે કે હે જીવ ! તને સંસાર ખપે છે કે મોક્ષ ખપે છે ?
શ્રી મોરારીબાપુના સદ્ભાવ રામાયણમાં એક પ્રસંગ છે, રાવણ સીતામાં લુબ્ધ બની તેનું અપહરણ કરવાની અભિલાષાએ એક પ્રપંચ આદરે છે, તેમાં તે મારીચને કહે છે કે તું સુવર્ણમૃગનું રૂપ ધરી સીતાજીનું અપહરણ કરવામાં મને મદદ કર, નહિ તો તારું મૃત્યુ છે તેમ નક્કી સમજજે.
આ વાત સાંભળી મારીચ ગભરાયો. આ પહેલાં કોઈ ઋષિના યજ્ઞમાં વિઘ્ન કરવા જતાં તેને રામજીનું ફણા વગરનું બાણ વાગેલું ત્યારે તે સેંકડો માઈલ દૂર ફેંકાઈ ગયો હતો. જો ફણાસહિતનું બાણ વાગ્યું હોય તો તે મૃત્યુને શરણ થયો હોત. આમ વિચારી તેણે રાવણને આ દુષ્કૃત્ય ન કરવા અને મંદોદરીને સૌભાગ્યવતી રાખવા શીખ આપી. આથી રાવણ ઉશ્કેરાયો અને તેણે તલવાર ખેંચી.
મારીચ સમજી ગયો કે જો રાવણને આ કાર્યમાં સાથ નહિ આપું તો તે મારી નાંખશે, તે વાત નક્કી જ છે. હવે જો મરવું જ છે તો રામના હાથે મરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરી સદ્ગતિ કાં ન પામું ?
૧૧૮
અને તેણે રામના હાથે મરવાનો નિર્ણય કરી લીધો.
જીવને માટે ચારે ગતિના ભ્રમણરૂપ કર્મવિવશતા તે રાવણનું રૂપ છે, અને ચારે ગતિથી મુક્ત થવા પાંચમી ગતિ-મુક્તિનો ઉપાય તે રામનું શરણ છે. માનવજન્મમાં આનો નિર્ણય કરવાનો છે કે વારંવાર રાવણના હાથે મૃત્યુ પામી જન્મમરણનાં દુઃખ પ્રાપ્ત કરવાં છે કે રામનું-પરમાત્માનું શરણ ગ્રહી ચારે ગતિનો અંત આણવા દેહાધ્યાસ અને સંસારાભિમુખતા ત્યજીવી છે ? માનવ જીવનનું મહાન કાર્ય મુક્તિની યાત્રા છે.
♦ હિતશિક્ષા :
આજે ભારતનો માનવી પરદેશમાં પહોંચીને ધનપિપાસુ બનીને, સમૃદ્ધિ ભેગી કરવામાં હિંદુ તરીકે બાહ્મણ હો કે જૈન હો પોતાના સ્ટોરમાં ઈંડા અને અભક્ષ્ય વસ્તુઓ વેચતો થઈ ગયો છે. તેને ધર્મમાં શ્રદ્ધા જ નથી કે જો તે આ વસ્તુઓને બદલે યોગ્ય વસ્તુ પ્રામાણિકપણે વેચશે તો ધન તેનું ઘર શોધતું આવશે. એકેન્દ્રિયાદિની તો અંધકારમય દશા છે પણ માનવે છતી આંખે પાટા બાંધી અંધ બનવાનું કેમ પસંદ કર્યું છે ? કર્મરૂપ ચેતનાની આવી બધિરતા છે. માટે હે જીવ! વિચાર કર. માનવદેહ મળવા છતાં કેવી જડતા તે સ્વીકારી લીધી છે ? જાગૃત થા, જાગૃત થા. અને કર્મરૂપી કાળનો કોળિયો થતાં પહેલાં જ્ઞાનીના માર્ગમાં પ્રવેશ પામ.
એકેન્દ્રિય જીવોની પરાધીન, દીન, હીન કે દુઃખીદશા ગુરુગમે કે શાસ્ત્રઆધારે જાણીને તે જીવો પ્રત્યે અનુકંપિત થઈને અહિંસાનું યથાશક્તિ પાલન કરવું. જીવ માત્રે તે તે સ્થાનોમાં દુઃખ સહ્યાં છે. તેવા જ્ઞાનીના વચનને માન્ય કરી શ્રદ્ધાવાન થા અને તેવા સ્થાનોમાં દેહયાત્રા કરવી ન પડે તે પ્રકારે જીવનની ચર્યાને ગોઠવી લે. તેમાં પોતાનું તો ભલું છે પરંતુ અન્ય જીવોનું પણ કલ્યાણ છે. અહિંસા ધર્મના સેવન માટે જરૂરિયાત ઘટાડવી, સંતોષી થવું, સંયમ પાળવો, વિવેકસહ વર્તવું, યત્ના રાખવી, સૂક્ષ્મ જીવો પ્રત્યે અનુકંપા અને મોટા જીવો પ્રત્યે પ્રેમભાવ કે સમભાવ રાખવો.
..
૧૧૯