________________
આ ક્રમમાં ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર કોઈ બકાત નથી જેણે જેવા કર્મ કર્યા તે ભોગવવા જ પડે છે. વિશ્વમાં જીવ માત્ર સુખ ઈચ્છવા છતાં દુ:ખ ભોગવે છે. દુઃખથી છૂટતો નથી તેનું કારણ સ્વયંની જ ભૂલ-કરણી છે.
કર્મ જડ છતાં તેની રચના જ એવી છે કે તે ચેતનની અજ્ઞાનદશામાં તેને વળગે છે અને સંસારની ચારગતિમાં ફેરવે છે. કર્મ જડ છે તે જાણતું નથી, કે પોતાનો સંયોગ કેવા પરિણામવાળો છે. જીવે એ જાણવું જરૂરી છે કે પોતે ચેતન છતાં કર્મની જાળમાં કેમ ફસાય છે. તે લોભામણી જાળને કેમ છોડી શકતો નથી. અનંત શક્તિમાન નિઃસત્ત્વ કેમ બને છે ?
આ રહસ્ય સમજવા જીવે જ્ઞાનીજનોની સંગત કરવી પડશે. બીજું કોઈ જીવને તે રહસ્ય સમજાવી નહી શકે. ધર્મ સમજવા જેમ સત્ સમાગમ જરૂરી છે તેમ કર્મની રચના સત્ સમાગમે જ સમજાશે. જડની સત્તા કરતા ચેતનની સત્તા અનંતગણી છે પણ જીવને સમજવા માટે જિજ્ઞાસા જોઈએ.
કર્મની વિચિત્રતા, અનંત પરમાણુના જથ્થા રૂપે રહે છે, તેમાં વિચિત્ર પ્રકૃતિઓ છે. અને તે જીવની અનંત શક્તિને જીવના અજ્ઞાનથી આવરી લે છે. છતાં પણ જીવની ચેતનશક્તિ જાગૃત થાય તો કર્મસત્તા તેને છોડી દેશે. તેની વિશેષ સમજ આ ખંડ-રમાં જોઈશું.
ધર્મસ્વભાવરૂપ છે. બીજમાં છૂપાયેલું સત્ત્વ યોગ્ય સંવર્ધન મળવાથી મોટા વૃક્ષરૂપે વિસ્તરે છે તેમ ધર્મસત્તા અનેક અનુષ્ઠાનો દ્વારા નિજગુણને-શુદ્ધિને પ્રગટ કરે છે ત્યારે એક જ જીવની ચેતના વિશ્વવ્યાપી બને છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં આવૃત્ત શક્તિનો વૈરાગ્ય જેવા શુદ્ધ ગુણો દ્વારા વિસ્ફોટ થાય છે ત્યારે ચેતનાની સમગ્ર શક્તિ એ જ વિશ્વને વાસ્તવિક પૂર્ણરૂપે સહજ રીતે જાણે છે. આવું તત્ત્વ જીવમાત્રમાં છૂપાયેલું છે. માનવદેહ જેવા નિમિત્તો તેમાં સહાયક છે, માટે હે જીવો ! તમે સમ્યક્ પ્રકારે જીવને જાણો.
...
દર
૧. કર્મચેતનાની સરળ સમજ
સૃષ્ટિમંડળમાં જીવ અને અજીવ પદાર્થોના સંયોગ-વિયોગનું એક વર્તુળ અનાદિકાળથી ચાલ્યા કરે છે. તેના ચાલકો છે કર્મચેતના અને ધર્મચેતના. કર્મચેતના જીવને સંસારમાં અનેક સ્થાનોમાં ભમાવે છે અને ધર્મચેતના જીવને સંસારથી, સંસારના દુ:ખોથી, પરિભ્રમણથી, જન્મમરણ બંધનથી તથા સંયોગ-વિયોગ જેવા દ્વંદ્વથી વિમુક્ત કરાવે છે. સંસારી જીવો કર્મચેતનાથી સંવૃત છે તેથી પ્રસ્તુત ખંડમાં કર્મચેતનાને સમજી લેવા પ્રયત્ન કરીશું.
૭ કર્મચેતનાના વિવિધ પાસાઓ :
• બાહ્ય નિમિત્ત પામીને થતાં જીવનાં વિભાવરૂપ પરિણામો. • કર્મવશ રહેતી પરાધીન અસદ્ વૃત્તિઓ.
• મન દ્વારા ઉપયોગની ચંચળતા.
• જીવના શુભાશુભ અધ્યવસાય.
• પરપદાર્થોના ઈષ્ટ સંયોગમાં સુખબુદ્ધિ.
• પરપદાર્થોના અનિષ્ટ સંયોગમાં દુઃખબુદ્ધિ.
• જીવના રાગાદિ કષાયભાવો.
• સ્વરૂપનું અજ્ઞાન-વિસ્મૃતિ. • વિષયભોગરૂપ બહિર્મુખતા. ૭ કર્મ શું છે ?
કર્મ એ અનંત પુદ્ગલ પરમાણુઓનો રાશિ છે, તે જડ છે. સ્પર્શ, રસ, ગંધ વર્ણાદિયુક્ત છે. કર્મરજ અતિ સૂક્ષ્મ છે. અનંત પરમાણુઓનો પુંજ બને ત્યારે જ તે ચેતનાનાં પરિણામરૂપે પરિણમી આત્મપ્રદેશોના સંયોગમાં આવે છે. કર્મોની પ્રકૃતિ અનંત પ્રકારની છે. જીવના વિભાવ પરિણામોનું નિમિત્ત પામી કર્મોનો સંબંધ થાય છે, તે આત્માને આવરણરૂપ છે. તે આવરણરૂપ કર્મના ઉદયે થતાં પરિણામો, અધ્યવસાય, વિભાવ, પર્યાય તે કર્મચેતના છે. ચેતના એ આત્માનું લક્ષણ છે. તેમાં અશુદ્ધ ચેતના તે કર્મચેતના છે. જીવ સાથે અનાદિકાળથી તે લાગેલી છે. ક્ષીરનીરવત્ તેનો સંબંધ છે.