________________
અસંયમિત થઈને જીવન વેડફી નાંખે છે.
જેણે ઈદ્રિયના વિવિધ વિષયો પ્રત્યે, મનના તરંગી પ્રવાહો પ્રત્યે સંયમ કેળવ્યો છે, તે મન અને ઈદ્રિયોરૂપી સાધનોનો ઉપયોગ કરીને સ્વ-પર હિત સાધે છે, દાન-દયાદિ કાર્યો વડે યશ પામે છે. અંતે સંસારથી વિરકત થઈને ઉત્તમ સંયમને આરાધીને મુક્તિ પામે છે. સંયમમાં નિયમ નિહિત છે.
સંયમ એ કોઈ દમન નથી. દ = દમવું, એટલે શાંત થવું. જ્યાં ત્યાં ભટકતી વૃત્તિઓને સંયમ વડે પાછી વાળીને અંતર્મુખ કરવી તે દમન છે. કોઈને પ્રશ્ન થાય છે કે ભોગવવાનું મળ્યું છે, તો શા માટે ન ભોગવવું ? વિષયને ભોગવતાં કોઈ દિવસ વિષયો શાંત થતાં નથી. જીવ એમ જાણે છે કે તે ભોગ ભોગવીને સુખી થઈ રહ્યો છે પરંતુ તે ભ્રમમાં રહે છે અને ભોગ તેને ભોગવીને, નિશ્ચત બનાવીને ચૂસી લે છે.
કોમળ અને સુંવાળા પદાર્થોના સેવનથી પ્રારંભમાં મનને સુખ લાગે છે પણ તેમાંથી એવી પરાધીનતા નીપજે છે કે જીવને ધર્મારાધનમાં તે કારણો અંતરાયરૂપ થઈ પડે છે, અથવા તેવાં સાધનો ખૂટી જતાં તે વ્યાકુળ થઈ દુઃખ ભોગવી નિરાશ થઈ જાય છે.
આહારમાં વિવિધ કે સ્વાદિષ્ટ ભોજન ન મળે તો જીવને આનંદ આવતો નથી. ખારા, ખાટા રસો ખાઈને કે અભક્ષ્ય આહાર ગટરમાં ગંદકી ભરવાની જેમ ઉદરમાં ઓરે છે તેથી અનેક પ્રકારની વિક્રિયા કે અસાધ્ય રોગનો ભોગ થઈ પડે છે. તામસી આહારથી વૃત્તિઓ ઉત્તેજિત થાય છે, સારાસારનો વિવેક પણ રહેતો નથી, ક્રોધાદિ પ્રવૃતિઓ હદ મૂકી દે છે, અને તેવા પદાર્થો ન મળે તો દુઃખી થાય છે, વળી મળે તો પણ તે પીડાકારી હોય છે. જિહ્વા વડે નિંદા જેવી પ્રવૃત્તિમાં વાણીનો વ્યર્થ વ્યય કરીને તેનો દુરુપયોગ કરે છે. શરીરના પરસેવા વગેરેની દુર્ગધને ઢાંકવા અગર સુગંધી દ્રવ્યોથી તેને સજવા માનવ અનેક પ્રકારના સુગંધી દ્રવ્યોનું સેવન કરે છે, પરંતુ શરીરની રચના જ એવી છે કે તે તેના દરેક દ્વારેથી દુર્ગધ ફેંકયા જ કરે છે. તેને ઢાંકવા છતાં ઢાંકી શકાતી નથી. ક્ષણભર એમ લાગે છે કે જાણે દુર્ગધ
દૂર થઈ છે પણ તે ક્ષણિક હોય છે.
ધ્રાણેન્દ્રિય સુગંધ અને દુર્ગધ બંનેને ગ્રહણ કરી જાણે કરે છે તેથી મનને આ સારું અને આ ખોટું એમ જણાવે છે. સુગંધને પ્રિય જાણી તેનું સેવન કરવા કેટલાય પ્રકારો યોજે છે છતાં તે કામયાબ નીવડતા નથી. તે તે સુગંધી દ્રવ્યોનું હિંસાયુક્ત ઉપાર્જન થાય છે તેને તે ગણકારતો નથી. એ પ્રકારો જાણે તોય તે તેમાં રાચે છે. પણ તેના પર નિયંત્રણ રાખી શકતો નથી. કારણ કે તેમાં તેણે સુખની કલ્પના ઊભી કરી છે.
ચક્ષુ વડે તે પદાર્થો જુએ છે, પણ તેમાં ગમા અણગમાના ભાવ ઊભા કરી દષ્ટિને વિકૃત અને ઝેરી બનાવે છે. જગત તેની વ્યવસ્થા અને રચના પર ચાલે છે. પરંતુ દેશ્ય જગતને જોઈને જીવ માયા ઊભી કરે છે કે આ મને ગમે અને આ મને ન ગમે. જડ અને ચૈતન્ય બંને પદાર્થોમાં આવા ભાવ-અભાવ ઊભાં કરી જીવ સુખ-દુઃખની લાગણી અનુભવે છે.
શ્રવણ વડે પણ તે વિકથા સાંભળે છે અને તેમાં પોતાની ચતુરાઈ માને છે. પંચેન્દ્રિયતાની પર્યાપ્તિ શ્રવણથી થાય છે. તે ક્રમમાં પાંચમી ઈદ્રિય છે. તેના ઉપયોગથી મોટાભાગના જીવો અજ્ઞાત છે. આથી મળેલા સુંદર સાધનનો વ્યર્થ ઉપયોગ કરી બધિરતા-અબોધતા પ્રાપ્ત કરે છે.
આ સર્વનું કારણ ઈદ્રિયની બાહ્ય વિષયો સાથેની તદ્રુપતાનું છે. તેથી એક વાતનું સ્મરણ રાખવું કે દેહ, મન અને ઈદ્રિયોનો સદુપયોગ પણ છે. બાહ્ય પ્રયોજન તે કર્મચેતના છે અને અંતરપ્રયોજન તે ધર્મચેતના છે. ધર્મસત્તાયુક્ત સામ્રાજ્યમાં દેહ-મન-ઈદ્રિયો તે સત્તાને અનુસરે છે અને સંયમ સહજ સાધ્ય બને છે. માટે મન તથા ઈદ્રિયો કેવળ હીનસત્ત્વ સાધન છે તેમ એકાંતે ગ્રહણ કરવું નહિ. મનુષ્યાકારે મળેલાં તે સાધનો વડે જીવનના સત્ત્વને પ્રગટ કરતાં રહેવું. ભગવત્સત્તા, ધર્મસત્તા કે શુદ્ધ ચેતનાના સહયોગથી જ તે સત્ય પ્રગટી શકે છે. માનવજીવનની મહત્તા જ એ છે કે મનાદિ સર્વે ઉપકરણો મહાસત્તાને અનુસરનારા હોય.