________________
૭ દિશાપરિવર્તન :
હે જીવ ! હવે તને સન્મિત્ર સાથે ધર્મચર્ચામાં કેવો આનંદ આવે છે ? સત્સંગમાં ચિત્તની સ્થિરતા કેવું કહ્યું ના જાય તેવું સુખ આપે છે, અને સન્માર્ગદર્શકનું સાન્નિધ્ય તો જાણે અમૃત સમાન લાગે છે. સંસારના વિવિધ પ્રવાહોમાં તણાઈને સમય ગુમાવ્યો તેનું ભાન થતાં ખેદ ઊપજે છે, પરંતુ હવે પ્રાપ્ત થયેલા ધર્મ સાધનોથી આશ્વસાન મળે છે કે થઈ તે થઈ, જાગ્યા ત્યાંથી હવે પ્રભાત, આ જન્મ એળે ગુમાવવો નથી. શીઘ્રતાએ આગળ વધવું છે.
જીવે સંસારચક્રમાં અનંતો કાળ દેહયાત્રામાં ગાળ્યો છે. આ જન્મમાં પણ ચાલીસ પચાસ વર્ષ તો એમ જ વિતાવ્યા છે. “હે જીવ કલેશરૂપ સંસાર થકી હવે વિરામ પામ, વિરામ પામ.' આવી સુવિચારણા વડે જીવ સ્વચ્છંદરૂપ વિષયાદિ વિહારનો સંક્ષેપ કરવાનો હવે પુરુષાર્થ આદરે છે.
ગૃહસ્થ હોવાથી અને હજી પૂર્વસંસ્કારનું બળ હોવાથી તે ત્વરાથી આગળ વધી શકતો નથી, પણ સાથે સત્સંગાદિનું બળ અને પ્રેરણા હોવાથી પુરાણી આદતો ભૂંસાતી જાય છે. ખેતરમાં વધુ પાણી ભરાઈ જાય તે પછી પાળ બાંધી લે છે, જેથી કરીને અંદરનું પાણી બહાર નથી જતું અને બહારનું પાણી અંદર પેસી ન જાય. તે પછી અંદરનું પાણી સૂર્યના તાપથી સૂકાવા માંડે છે, કેટલુંક પાણી ધરતી પી લે છે.
પરિણામે સમય જતાં સારી ફસલ ઊતરે છે. તેમ જીવે ધર્મજિજ્ઞાસાને પ્રદીપ્ત રાખવા વૃત્તિસંક્ષેપ, નાના પ્રકારના સંયમ અને નિયમો ધારણ કરી સંસારમાં વહી જતા સમયના સદ્ઉપયોગ માટે પાળ બાંધવી. આથી જૂના અસદ્ સંસ્કારોને પુષ્ટિ મળતી નથી તેથી તે સૂકાતા જાય છે. અને સ્વાધ્યાય સત્સંગ વડે નવા સંસ્કારો વિકસતાં જાય છે. ૭ ધર્મમાર્ગમાં પ્રવેશ :
ધર્મમાર્ગમાં નિત્ય નિત્ય ઉદ્ભવતા અંતરના નવીન ભાવો અને પ્રવાહો જીવને ઉત્સાહ પ્રેરે છે. એવી અંતઃપ્રેરણાથી જીવ આગળ વધતો જ જાય છે. સવારથી ઊઠતાંની સાથે જ આમૂલ પરિવર્તન જણાય છે. પહેલાં તે ઊઠતો ત્યારે ચિત્ર-વિચિત્ર અને વાસનાયુક્ત
૫૮
સ્વપ્રમય નિદ્રા પછીના થાકથી, બેહોશીથી ઊઠતો હતો કારણ કે સૂતાં સુધી સાંસારિક અનેક પ્રકારની પ્રક્રિયામાં જીવે સમય વિતાવ્યો હતો. હવે સૂતાં સમયે પ્રભુસ્મરણ અને પ્રભુ શરણની ભાવના સેવીને સૂએ છે તેથી સ્વપ્ર પણ તેવો આકાર લે છે, અને નિદ્રા પણ સુખરૂપ લે છે.
પહેલાં ઊઠતો ત્યારે હાય ધન ! કે હાય માન ! એવી અકાંક્ષાઓ માટે તલસતો હતો. હવે પ્રભુના સ્મરણ સાથે ઉઠે છે એટલે ધન કે માન જેવા શબ્દો કંઠે આવવા પામતા નથી. પહેલાં તો સવાર પડે એટલે સંસારી મિત્રો અને વ્યાપારીઓની ટેલીફોનની ઘંટડી રણકતી હતી હવે તેને પણ વિરામ મળ્યો છે.
પોતે ધર્મી છે તેવું પ્રદર્શન કરતો નથી. ખૂબ સરળભાવે, સઉલ્લાસ, વિનમ્ર થઈ વ્યાપાર-વ્યવહારમાં પ્રવૃત્ત થાય છે. કારણ કે યોગ્ય સમજ કેળવી આત્માર્થે ધર્મને સ્વીકાર્યો હોવાથી કયાંય માન મોટાઈમાં ખેંચાતો નથી. એવું સર્વ તો તે અગાઉ કરી ચૂકયો છે. તેમાંથી પાછો વળવા સાચા ધર્મનો મર્મ પામવા તેણે વીતરાગ માર્ગ સ્વીકાર્યો છે, તેથી બાહ્ય જીવનના પ્રકારોની તુચ્છતા તેને સમજાઈ છે. કર્મક્ષેત્ર દીર્ઘકાળથી સેવાયેલું હતું તે ત્યજીને વળી નવો પ્રયાસ તેવા જ પ્રકારો માટે કરવાનું કોઈ પ્રયોજન હવે જણાતું નથી. ધર્મ એ આત્માનો સ્વભાવ છે, તેવો તેણે દૃઢ નિર્ધાર કર્યો છે. આમ આત્માર્થીનું નિરાળું જીવન પ્રગટ
થાય છે.
જે સાધકે ધર્મમાર્ગમાં માત્ર પ્રવેશ કર્યો છે, અને હજી ગૃહસ્થ જીવન કે વ્યાપારાદિની પ્રવૃત્તિ છે. પરંતુ તેની દૃષ્ટિ બદલાઈ ગઈ હોવાથી વ્યાપારમાં સત્ય અને પ્રામાણિકતા, વ્યવહારમાં સમાનતા અને ઉદારતા, મિત્રોમાં મધ્યસ્થતા, સાંસારિક પ્રસંગોમાં સંક્ષેપ, નિવૃત્તિમાં ધર્મ આરાધન, પ્રવાસમાં તીર્થયાત્રા અને અવકાશે સંત સમાગમ આવા પ્રકારે ઉદાત્ત જીવનનો ક્રમ સેવી હવે તે સાધકાવસ્થામાં આગળ વધે છે. અર્થાત્ બાહ્ય પ્રકારે વધુ સમય ધર્મ ક્રિયામાં અને અંતરમાં શુભ ભાવ વડે મનની શુદ્ધિ રાખે છે. વળી જાગૃતિપૂર્વક જીવનચર્યામાં કર્મ વિવશતાથી દૂર રહે છે. આગળ જતાં સંયમ,
૫૯