________________
અબોધતા વિસર્જન થાય છે અને ચેતનતા તથા બોધસ્વરૂપ પ્રગટ થાય છે. તેની નિવૃત્તિ આત્મરૂપ હોય છે. ૦ રુચિ અને પ્રીતિ અનુસાર ઉધમ :
દૈહિક ક્રિયાઓના કે સંસાર વ્યાપારની ક્રિયાઓમાં પુનરાવર્તન હોવા છતાં કંટાળો, નીરસતા, કે ખેદ પ્રાયે ઊપજતાં નથી. તેનું કારણ, તે તે ક્રિયામાં જીવને રસ છે, રુચિ છે, સ્વાર્થ છે કે પ્રીતિ છે. એમ ન હોય ત્યાં જીવ થાકે છે ખરો, પણ એ થાક ઉતારવા વળી તે જ પ્રકારના ભૌતિક સાધનો પ્રયોજે છે. જેમકે રોજે સાદું ભોજન ખાતાં કંટાળો આવ્યો હોય તો કોઈ દિવસ મિષ્ટાન્ન જમશે. વ્યવહારથી ઊઠયો મનોરંજનના સ્થળે જશે. ઘરથી કંટાળ્યો બહાર મિત્રો સાથે સમય ગાળશે. વ્યાપારથી થાક લાગ્યો તો હવા ખાવાના સ્થળે જશે. કોઈને કોઈ ભૌતિક સાધન શોધી અણગમો, ખેદ કે નીરસતાને દૂર કરવા પ્રયત્ન કરશે.
આપણે ધર્મક્રિયામાં આજ હકીકતને કેટલેક અંશે સ્વીકારવી પડશે. ધર્મક્રિયામાં પ્રથમ પાયાની વાત આત્મલક્ષી હોવી જરૂરી છે. જીવ માનતો હોય કે આત્મલક્ષ સિવાય બીજું પ્રયોજન શું હોય ? સૂમપણે વિચારે તો આનો પ્રત્યુત્તર મળી રહેશે કે કશું પ્રાપ્ત કરવાની, મેળવવાની અભિલાષાએ અથવા સૌ આવી ક્રિયાઓ કરે છે માટે હું પણ કરું, જે ફળ મળવાનું હશે તે મળશે. પોતે શ્રદ્ધાવાન નથી.
સાચો આત્માર્થી એમ વિચારે છે કે જ્ઞાની પુરુષોએ કહ્યું છે તેમ મારા સ્વરૂપને પામવા અને જન્મમરણાદિ બંધનથી મુક્ત થવા જ સર્વ ધર્મક્રિયા છે. તે સિવાય તેનું કોઈ પ્રયોજન તેના લક્ષમાં નથી. પણ સગડી પર દૂધ ગરમ કરવા જેમ પાત્રની જરૂર રહે છે તેમ સંવૃત્ત એવા નિજ સ્વરૂપને પ્રગટ કરવા કોઈ સાધનની જરૂર છે. તેથી વ્યવહારધર્મરૂપ ધર્મક્રિયામાં યથાર્થપણે પ્રવર્તે છે.
કોઈપણ પ્રકારના ધર્મ માટે અવલંબનમાં પ્રારંભથી જ રુચિ અને પ્રીતિ ન હોય તો તેમાં જીભ વડે થયેલી ક્રિયામાં જીવને આનંદની અનુભૂતિ થતી નથી. ભક્તિ, સ્વાધ્યાય, વ્રત, તપ, જપ ઈત્યાદિ ક્રિયામાં ઉપયોગની તદાકારતા, અને સ્થિરતા થતાં મનઃશુદ્ધિ થાય છે. તે
શુદ્ધિ આનંદરૂપે આવિર્ભાવ પામે છે. તેથી નિત નિત નવો ઉલ્લાસ, ઉમંગ, ઉદ્યમ વધતો જવાથી, કોઈ ક્રિયા જડરૂપે કે યંત્રમય થતી નથી. જડરૂપે તો સમજવું કે જીવને હજી તે સસાધનોમાં એકાકારતા કે પ્રીતિ થઈ નથી અને જ્યાં જીવને રસ છે ત્યાં તેનું મન ભમતું હોવાથી યથાર્થ ક્રિયાઓમાં જીવનો ભાવ તદ્રુપ થતો નથી. તેથી આનંદ પ્રાપ્ત થતો નથી.
સાકરમાં ગળપણ છે, તે વાતના શ્રવણથી સ્વાદ આવતો નથી પણ તેનો કણ જીભના ટેરવા સાથે સ્પર્શે છે ત્યારે ઉપયોગમાં ગળપણનો સ્વાદ આનંદ આપે છે. એ પ્રમાણે દરેક ક્રિયા સાથે જીવના પરિણામભાવની સમરસતા થવી જરૂરી છે. ક્રિયા કે ક્રિયાના સાધનો એક ન્યાયે જડ છે, છતાં જીવના શુભભાવ વડે તે ક્રિયા અને સાધનો ચેતનવંતા જણાય છે. કર્મ જડ હોવા છતાં જીવના સંયોગમાં ચેતનરૂપ જણાય છે. તો પછી શુભક્રિયા અને સાધનો જીવભાવ પામીને ચેતનવંતા કેમ ન જણાય !
ઉદાહરણથી વિચારીએ, જિન પ્રતિમા કે ચિત્રપટ જડ છે. પરંતુ ભક્તિયુક્ત મનોભાવ સાથે ભક્તિ કરનારને તે પ્રતિમા કે ચિત્રપટ પ્રેરણાદાયી થઈ ચિત્તની શુદ્ધિ કરે છે. દોષ મુક્તિના કે ગુણપ્રયુક્તિના પદો ભાવનાસહ ઉચ્ચારવાથી દોષ ટળે છે અને ગુણદૃષ્ટિ મળે છે. સશાસ્ત્રના સ્વાધ્યાયમાં વસ્તુનું સ્વરૂપ, કર્મ કે તત્ત્વનાં સિદ્ધાંતો ધર્માચરણના રહસ્યોનો બોધ પ્રાપ્ત થતાં જીવનમાં પરિવર્તન થાય છે.
મંત્રજપ જેવાં સાધન મનની સ્થિરતા આપે છે, પણ જો મણકો, માળા અને આંગળી સાથે મન પણ બહાર ફરે તો તેમ થવું સંભવ નથી. તે ત્રણનું ફરવું તે મનનું ઠરવું થાય તે માટે છે. મંત્રજપ સમયે થોડી જ પળો જો મન ઠરે તો તે સમયની દશા અભુત આનંદદાયક હોય છે. દુઃખ કહો, સ્વરૂપનું વિસ્મરણ કહો, અનાત્મભાવનું સાતત્ય કહો એ સર્વ મનની અસ્થિરતાની સંતતિ છે. પુણ્ય પ્રમાણે પરિવારના ઉદાહરણે જેવું મન તેવો તેનો પરિવાર રહેવાનો છે. મનની ગતિ મિથ્યા તો મતિ મિથ્યા. રતિ પ્રીતિ મિથ્યા તો તેની સંતતિ પણ મિથ્યા જ નીપજવાની છે. મનની ગતિ સમ્યગુ, મતિ અને પ્રીતિ સમ્યગુ તો તેનો પરિવાર-અનુષ્ઠાન પણ સમક્તિરૂપ નીપજવાના છે.
૫૫