________________
પદાર્થ જુએ, કે સ્મરણ આવે ત્યારે રાગ-દ્વેષના ભાવે મારું-તારું, સારું-બૂરું, ઊંચુંનીચું, ખારું-મોળું, ત્યાગું-ગ્રહું, આમ સતત્ સંતપ્ત રહેતી, એ જ દૃષ્ટિ નિર્મળ થવાથી મધ્યસ્થતા, સમતા, સમાનતા જેવા ભાવે પદાર્થના સંયોગોને સહજપણે નિભાવી લે છે. • ધર્માનુરાગીની પ્રારંભની દશા :
ધર્માનુરાગી જીવ ધર્મક્રિયા સમયે બોલે છે તો ખરો કે હું દેહ નથી, ઘર, નગર, સ્ત્રી, પુત્ર, કલત્ર, મિત્ર વગેરે મારાં નથી. હું આત્મા છું. સહજાનંદી શુદ્ધસ્વરૂપી છું, અજર છું, અમર છું, જ્ઞાતાદૃષ્ટા મારું સ્વરૂપ છે, ત્રિકાળ રહેવાવાળો છું, આવું ઘણું નિવેદન પ્રભુસન્મુખ કરે છે; પણ જો નિમિત્તવશ કર્મોદયે આત્માધારા ખંડિત થઈ કે અસાવધાન રહ્યો તો એ કહેશે હું અમુક છું. શ્રીમંત છું, માલિક છું, પિતા છું, પુત્ર છું. આ ઘર આદિ મારાં છે હું તેમનો છું. અમે કયારેય છૂટા પડી શકીએ તેમ નથી. રોગ થતાં કહેશે મારા પેટમાં દુઃખે છે. હું મરી જઈશ. આવા વિભાવ પરિણામમાં તે એકરૂપ થઈ જાય છે. વાસનારૂપ વિષય અને કષાયની પીડાથી પીડિત મનુષ્ય મુક્ત થવાનું અનુકૂળ સંયોગોમાં પૂર્વના સુસંસ્કારો વડે કથંચિત્ વિચારે છે. મુખ્યત્વે તો દુઃખના પ્રસંગે કંઈક વિચારણા કરે છે. વળી દુઃખ દૂર થતાં પાછો દેહ સાથે એકરૂપ થઈ જાય છે. સત્સંગ અને સત્યસંગ જ આત્મભાવને ટકાવી રાખે તેવા સાધનો છે. ઈચ્છાઓનો અભાવ તે મોક્ષમાર્ગની ગુરુચાવી છે. તેમાંથી જન્મ-મરણનો અભાવ થઈ પૂર્ણ મોક્ષ પ્રાપ્ત થાય છે.
મિથ્યા દર્શન-જ્ઞાનરૂપી ચેતનાનો ઉપયોગ મોહના સંસ્કારવશ પદાર્થો પ્રત્યે તાદાભ્ય કરી આકુળતા અનુભવતો હતો. મોહનું પ્રભુત્વ મંદ થવાથી, ઈચ્છા-વાસના-તૃષ્ણાની પણ મંદતા થતી જાય છે. આથી જ્ઞાન અને દર્શનની શક્તિ ખીલતી જાય છે. પદાર્થને જાણે છે જુએ છે છતાં આકુળતા થતી નથી. અને જ્ઞાનધારાના પ્રવાહમાં ઉપયોગને જાળવી રાખે છે.
અગ્નિના લાલ રંગથી આકર્ષાઈ કોઈ બાળક દોડીને તેને પકડવા જાય છે પરંતુ આંગળી દાઝી જવાથી રાડ પાડીને શીઘ્રતાથી પાછું
દોડી જાય છે તેમ ધર્મચેતના જેની જાગ્રત થઈ છે તે જીવ પાંચે ઈદ્રિયોના વિષયને સ્પર્શતાની સાથે જ દાઝી જાય છે અને શીઘ્રતાથી પાછો વળે છે. તેનો આત્મા રાડ પાડી ઊઠે છે કે રૂપ સ્પર્શ રસ ગંધ વાળા ઈત્યાદિ પદાર્થો તે તારું સ્વરૂપ નથી તું તો તે સર્વથી અસંગ એવો આત્મા છું.
આત્મચેતનાસહ મનુષ્ય શરીર વડે વ્યવહારમાં પરોપકાર વગેરે આચરે, અને કાયોત્સર્ગ જેવી ધર્મક્રિયા કરીને વિશુદ્ધ થતો જાય. જિહવા વડે ગુણાનુરાગ, ભક્તિ, અને ધર્મકથા કરે. નાકના ટેરવાને નીચું રાખી માનથી દૂર રહે. ચક્ષ વડે પ્રભુનાં દર્શન કરી અંતરદૃષ્ટિને જાગૃત કરે, શ્રવણ વડે કથા કીર્તન સાંભળે. આ સર્વક્રિયામાં મનના શુભભાવોને જોડીને ઉપયોગની શુદ્ધિ કરતા જવું તે મોક્ષપંથની યાત્રા છે.
જો માનવ ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ ધર્માનુરાગી કુળ અને અન્ય નિમિત્તો પામવા છતાં ધર્મને જ ત્યજી દે તો જેમ અનાદિકાળ નિગોદમાં (અતિસૂક્ષ્મયોનિ) રહ્યો અને શેકાતી ઘાણીમાંથી એક દાણો ઊછળે તેમ ઊછળી, બહાર નીકળી પંચેન્દ્રિય સંજ્ઞી માનવપણાં સુધી વિકાસ પામ્યો. હવે જો વિષયોમાં જ રાચે તો પાછો નિગોદને પામે.
કોઈને પ્રશ્ન થાય કે આ તો એક પ્રકારનો ભય છે. માનવને કંઈ મરીને આવી યોનિઓમાં જવું પડતું હશે? કોઈ જીવના માનવા ન માનવાથી સૃષ્ટિની રચનામાં જે કોઈ પરિણામો થાય છે તે નિરર્થક નીવડતાં નથી. મુક્તિને ન માનવાથી મુક્તિ અમુક્તિ થતી નથી પણ તેમ માનનાર જીવમાત્રની અમુક્તિ તો બની જ રહે છે. માટે હે સજ્જનો ! મુક્તિ એ જ માનવ જીવનની મહત્તા છે તેવો નિશ્ચય કરો. | મુક્તિનો નિર્ણય કર્યા પછી તેની પ્રક્રિયામાં જવાનું સાહસ થાય છે. જે કંઈ પૂર્ણાત્મા થાય તેમણે આગળ આગળના જન્મે આવું સાહસ કરેલું હોય છે. પ્રથમ મોક્ષતત્ત્વ સ્વીકાર કરવો અને તેમાં પ્રયત્નશીલ રહેવું તે ધર્મચેતનાનું લક્ષ્ય છે. તેની યાત્રા લાંબી છે પરંતુ સતુના પ્રારંભથી થતી યાત્રા યથાસમયે ફળે છે.
૨૮
૨૯