________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા : એ વ્યતિરેક ગુણોને લક્ષણ કહ્યા ?
દાદાશ્રી: લક્ષણ આ દેખાય છે તે આપણે આમ સામાસામી લક્ષણો દેખીએ એટલે આપણે ના સમજીએ કે આમણે આત્મા પ્રાપ્ત કર્યો છે ? અને ક્રોધ-માન-માયા-લોભ હોય તો આપણે જાણીએ નથી કર્યો !” એમ ના સમજીએ? ના સમજ પડે ?
પ્રશ્નકર્તા ઃ બરોબર છે.
દાદાશ્રી : આવા લક્ષણ હોય તો નથી પ્રાપ્ત કર્યો, ને આવા લક્ષણ હોય તો પ્રાપ્ત કર્યો છે. કૃપાળુદેવેય એ લક્ષણોને લક્ષણ કહે છે. બીજા લક્ષણ એનામાં છે નહીં.
પ્રશ્નકર્તા: મૃદુતા, ક્ષમા, સરળતા એ દસ ગુણો કહ્યા છે અને આપ કહો છો તે લક્ષણ છે ?
દાદાશ્રી : મૃદુતા, આર્જવતા એ બધા લખ્યા છે ને દસ ગુણો, એ આત્માના ગુણ નથી. એનાથી આપણને ઓળખાય કે ભઈ, આમને ક્ષમા રહે છે માટે એમને આત્મા પ્રાપ્ત થયો લાગે છે. એ લક્ષણ છે, ગુણ નથી. જેને આત્મા પ્રાપ્ત થયો હોય એનામાં સહજ ક્ષમા હોય. ક્ષમા કરવી ના પડે. સહજ ક્ષમા હોય, સહજ માર્દવતા હોય, સહજ મૃદુતા હોય.
પ્રશ્નકર્તા ઃ ગુણની જેમ લક્ષણ પણ પરમેનન્ટ ને ?
દાદાશ્રી : ના, લક્ષણ તો આ અજ્ઞાનીઓને સમજવા માટેનું છે અને ગુણ તો એના કાયમના છે. ત્યાં લક્ષણ-બક્ષણ એક્ય નથી, સિદ્ધગતિમાં. ત્યાં લક્ષણ-બક્ષણ નહીં. લક્ષણ તો કોને, આ લોકોને સમજાવવા માટે કે આ ભાઈ કેવો ? આ ભાઈએ પછી આત્મા પ્રાપ્ત કર્યો છે પણ એમનામાં બિલકુલેય ક્ષમા તો દેખાતી નથી તો કહે, પછી આત્મા નથી પ્રાપ્ત કર્યો? એ લક્ષણ નથી દેખાતા, માટે પ્રાપ્ત નથી કર્યો. એને ઓળખવા માટેનું છે કે આત્મા પ્રાપ્ત કરેલો છે કે નહીં. તમને સમજાયું?