________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : પહેલી પૂનમ કરી નાખીએ, પછી ફાઈલોનું શું થાય? પ્રશ્નકર્તા જે થવાનું હોય એ થાય, પછી શું ?
દાદાશ્રી : ના. એમ ને એમ જતી ના રહે. એ તો નિકાલ માગે એ. એટલે કાયદો એવો છે કે નિકાલ થઈ રહે કે, તમે પૂનમ એની મેળે થઈ જશો. તમારે પૂનમ થવાની જરૂર નથી, તમે ફાઈલોનો નિકાલ કરો એની જરૂર છે.
લક્ષણ-ગુણ-વેદનથી જાણ્યો આત્મા પ્રશ્નકર્તા : દાદા, પેલી જે વાત છે ને કે જ્ઞાની પુરુષ આત્માને લક્ષણથી, ગુણથી અને વેદનથી જાણે, તો એ લક્ષણથી કેવી રીતે જાણે, ગુણથી કેવી રીતે જાણે અને વેદનથી કેવી રીતે જાણે છે ?
દાદાશ્રી : વેદનથી જાણે એટલે પરમાનંદ હોય. સ્વસંવેદન, પરમાનંદ. તને ત્યારે આનંદ નહીં થયેલો ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ વેદન કહેવાય.
પ્રશ્નકર્તા એટલે અંદર જે આનંદ ઉત્પન્ન થાય છે તો પોતે યથાર્થ આત્માને કેવી રીતે ઓળખી શકે ?
દાદાશ્રી : તું ઓળખું છું તે જ આ યથાર્થ આત્મા જ છે. તે ઓળખ્યો છે તે. એમાં શંકા કાંઈ થઈ ?
પ્રશ્નકર્તાઃ ના, એટલે એ વસ્તુ આમ પ્રેક્ટિક્સમાં કેવી રીતે હોય છે ?
દાદાશ્રી : વેદનથી આનંદ થાય છે તે. ચિંતા થાય, કંટાળો આવે એ બધું આત્મા ન્હોય. આનંદ રહે, અને તે આનંદ પાછો ખૂટે નહીં, એટલે જતો ન રહે. એ આનંદ એટલે આત્મા છે. એ આનંદથી આત્મા જાણે, કે ભઈ, આ હવે આત્મા છે. પછી ગુણે કરીને, જ્ઞાની પુરુષની પાસે ગુણ જાણી લેવા.