________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આત્મસ્વભાવ : જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી પ્રશ્નકર્તા ઃ આત્માનો સ્વભાવ એટલે શું ?
દાદાશ્રી : આત્માનો સ્વભાવ, ભાવ એટલે અસ્તિત્વ. સ્વભાવ એટલે સ્વનું અસ્તિત્વપણું. પોતાનો સ્વભાવ એટલે પોતાની બાઉન્ડ્રી. એટલે પોતાના ગુણધર્મો અને બાઉન્ડ્રીમાં જ હોય છે. ગુણધર્મ અને બાઉન્ડ્રીની બહાર જતો નથી આત્મા.
એટલે જોવા-જાણવાનો એનો સ્વભાવ. ત્યારે એનું ફળ શું? ત્યારે કહે, પરમાનંદ, બસ ! એ સાથે જ છે બધું. જોવું-જાણવું ને પરમાનંદ. આત્માનો સ્વભાવ જ એવો છે કે એને જાણ્યો કે તરત ફળ આપે.
પ્રશ્નકર્તા પણ આ જે બધા શેયોને જોવાની-જાણવાની આત્માની ક્રિયા છે. જ્ઞાતા અને દ્રષ્ટા. એ પણ એની એક ક્રિયા જ થઈને ? તો એ એનું એક કર્મ થયુંને ?
દાદાશ્રી : જોવા-જાણવાનો પોતાનો મૂળ સ્વભાવ છે. સ્વભાવથી બહાર નીકળવું એ કર્મ કહેવાય. સ્વભાવની વિરુદ્ધ કરવું એ કર્મ કહેવાય. સ્વભાવને કર્મ ના કહેવાય. પાણી નીચું ચાલ્યું જાય તો એને કર્મ ના કહેવાય, એ સ્વભાવ કહેવાય અને ઉપર ચઢાવવું પડે તો કર્મ કરવું પડે.
તેરસ-ચૌદસ સુધી ગુણ, પૂનમે કહેવાય સ્વભાવ
પ્રશ્નકર્તા ઃ આ અનંત દર્શનવાળો, અનંત શક્તિવાળો આ બધા આત્માના ગુણો કહેવાય અને હું મારા સ્વ-સ્વભાવવાળો શુદ્ધાત્મા છું, તો એ સ્વભાવ અને આ ગુણ એમાં શું ફેર છે ?
દાદાશ્રી : ગુણ જુદા જુદા બોલવા પડે. સ્વભાવ એક જ બોલે તો બધાય આવી ગયા મહીં.
પ્રશ્નકર્તા : પણ દાદા, આ ના સમજાયું. સ્વભાવ અને ગુણ આ તો બોલવાની વાત થઈ પણ એ ગુણ કોને સ્પર્શે છે અને સ્વભાવ કોને સ્પર્શે છે ?