________________
મતિ મૂંઝાય, સમજણ ના પડે તો હું અનંત જ્ઞાનવાળો છું જોશથી બોલે તો પરમાણુ ખરી પડે ને સૂઝ પડવા માંડે.
મનમાં કે દેહમાં કંઈ વેદના આવી પડે તો “હું અનંત સુખનું ધામ છું' બોલે તો વેદનાનો ભાર ના લાગે. નિશ્ચયથી પોતે નિર્વેદક છે. વેદક વેદના ભોગવે, ત્યારે આ બોલે તો વેદકતા નાશ પામે. આ તો વિજ્ઞાન છે, પૂરેપૂરું સમજીને ઉપયોગમાં લે તો કૅશ (રોકડું) ફળ મળે એવું છે.
ખરી રીતે રોજ આખો દહાડો આ ગુણો બોલવા જોઈએ. નવરાશ હોય ત્યારે અથવા તો અડચણ આવે ત્યારે આ ગુણો બોલવા જોઈએ.
દેહબળ ઘટી ગયું હોય, તો “હું અનંત શક્તિવાળો છું” એવું જોશ જોશથી બોલીએ તો શરીરમાં તરત શક્તિ આવી જાય.
ભયનો પ્રસંગ આવી પડે, લૂંટારા આવી ગયા હોય, તે વખતે “હું અવ્યાબાધ સ્વરૂપ છું બોલે તો ભય નીકળી જાય.
વાઘ જંગલમાં ભેગો થઈ ગયો તો સો વખત “હું અમૂર્ત છું બોલે તો આપણી મૂર્તિ (શરીર) એને દેખાય નહીં, એવું આ સાયન્સ છે.
આત્માના ગુણો બોલવામાં એક કલાક કાઢે તો એ મોટામાં મોટી સિદ્ધ સામાયિક કહેવાય.
દાદાશ્રી કહે છે, જે રીતે અમે ચાલ્યા છીએ, તે રસ્તો તમને બતાડીએ છીએ. અમારા કહ્યા પ્રમાણે ચાલો તો ગજબનું ફળ મળે.
શોક, હતાશા, નિરાશા, ડિપ્રેશન જેવું કોઈ વખત લાગે તો હું અગુરુલઘુ સ્વભાવવાળો શુદ્ધાત્મા છું' એક કલાક જો બોલ બોલ કરે તો સમતુલા આવી જાય. અંદરવાળા બધાને ચૂપ થઈ જવું પડે.
આ બટન દબાવો તો લાઈટ થાય, આ બટનથી પંખો થાય, એમ બટનો બધા સમજી લેવા જોઈએ, તો તે પ્રમાણે જરૂર પડ્યે આ ગુણો બોલાય.
લોભની ગાંઠ ફૂટે, લાલચના પ્રસંગ આવે, તે વખતે “હું અનંત ઐશ્વર્યવાળો છુંબોલે તો એ પરમાણુ ખરી પડે, એની અસર ના થાય.
69.