________________
એક બોલ નાખીએ, પછી એ પરપરિણામમાં જાય. એ પરપરિણામમાં આપણે જો ફરીથી હાથ ઘાલીએ નહીં, તો એની મેળે એ બંધ થઈ જવાના. એટલે અક્રમ વિજ્ઞાનમાં નવા બોલ નાખવાનું બંધ કરી દો અને જે પરિણામરૂપે ઉછળે છે તેને જોયા કરો, તો એની મેળે અંત આવે જ.
જ્યારે ક્રમિક માર્ગમાં બોલ ફેંક્યા પછી ઉછળતા બોલને, પરિણામને બંધ કરવા જાય. એટલે પેલો અટકતો નથી ને વધારે ઉછળે છે.
જે પરપરિણામ છે, જે ડિસ્ચાર્જ છે, એમાં વીતરાગતા રાખવાની છે, જોયા કરવાનું છે. એ સિવાય બીજો ઉપાય જ નથી.
- જ્ઞાન પછી હવે ક્રોધ એ પરપરિણામ છે. એ એની મેળે જોયા કરવાથી ધીમે ધીમે નરમ થતો થતો ઓગળતો જશે.
જેટલા ક્રિયાવાળા છે, એ બધાય પર પરિણામ છે, તે ડિસ્ચાર્જ છે.
સંયમ પરિણામ એટલે આત્મ પરિણામ અને પુગલ પરિણામ બને યથાર્થપણે જુદા રહેવા. પુગલ પરિણામને જોયા એ જ આત્મ પરિણામ.
મહાત્માઓને સ્વપરિણતિ છે, પણ સ્વપરિણામ નથી. કારણ કે હજુ પરપરિણામમાં મજા લેવાય છે, વેપાર-ધંધા કરવા પડે છે. દાદાશ્રી નિરંતર સ્વપરિણામમાં હોય.
મહાત્માઓને પહેલા જે જોવા-જાણવાથી રાગ-દ્વેષ થતા હતા, તે હવે નથી થતા. છતાં એ જોવા-જાણવાનું બુદ્ધિથી છે. આ બુદ્ધિ થકી જોવા-જાણવાનું એ પરપરિણામ છે એવું જાણે ત્યારે સ્વપરિણામને સમજે. એ સ્વપરિણામ ભણી પાછો ફરી રહ્યો છે.
ચંદુ શું કરે છે, એને જોવું-જાણવું એ સ્વપરિણામ માને છે, પણ સ્વપરિણામ ચોખ્ખા હોય, સ્વાભાવિક હોય, જેમાં દ્રવ્યના ગુણ, પર્યાય બધા જાણે.
હાથ ઘસી ઘસીને કાપતા હોય, તે ઘડીએ પોતે હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહે, સ્વપરિણતિમાં રહે, પરપરિણતિ ઉત્પન્ન ના થવા દે, એ તપ કરે. આ પરપરિણામ છે, મારા પરિણામ નથી, એમ સ્વપરિણામમાં મજબૂત રહેવું એનું નામ તપ.