________________
આજ્ઞા નિજ પરિણતિમાં રહેવા માટે જ છે.
શુભાશુભ ઉપયોગ એ પરપરિણતિ છે, શુદ્ધ ઉપયોગ એ નિજ પરિણતિ છે. કેવળજ્ઞાન થયા પછી પરિણતિ રહેતી નથી. એક ક્ષણ સ્વપરિણતિ ઉત્પન્ન થાય એને “સમયસાર' કહ્યો.
[૮.૩] મહાત્માઓની સ્વપરિણતિ અહંકાર એ પૌદ્ગલિક વસ્તુ છે. પુદ્ગલમાંથી આ અહંકાર ચાલુ રહે છે તે પોતે ના કરવો હોય તોયે થયા કરે. (જ્ઞાન પછી) એ નિર્જીવ અહંકાર છે. મૂળ ચૈતન્યશક્તિનો પ્રવાહ સ્વપરિણતિમાં ઉત્પન્ન થયો. એટલે પરપરિણતિ નિર્જીવ રહી.
આ જ્ઞાન લીધા પછી અહંકાર વ્યવસ્થિતને તાબે છે. તેને ડિસ્ચાર્જ કરવાનું કામ વ્યવસ્થિતનું છે.
પુદ્ગલની જે ક્રિયા છે તે વ્યવસ્થિત કરે છે, તેને પરપરિણામ કહેવાય. તેને જોનાર-જાણનાર પોતે શુદ્ધાત્મા છે, એ સ્વપરિણતિ છે.
પરિણતિ એ કર્તા બાબતમાં છે, નહીં કે બહારના વાતાવરણને લીધે. જો પોતે કર્તા તો પરપરિણતિ અને પોતે શુદ્ધાત્મા ને વ્યવસ્થિત કર્તા તો સ્વપરિણતિ.
ચંદુભાઈને ગુસ્સો આવે ત્યારે પોતાને એમ થાય કે આ ના હોવું જોઈએ. તો જડ જડભાવે પરિણમે અને ચેતન ચેતનભાવે પરિણમે. જે પૂરણ થયેલો માલ તે ગલન થાય. ગલન એ પરપરિણામ છે.
મન ખરાબ વિચારે કે સારું વિચારે, પણ પોતે જાણે કે આ પર પરિણામ છે તો તે સ્વપરિણતિ.
વ્યવસ્થિત કર્તા એ જ્ઞાનને લઈને પરપરિણતિ પોતાને રહેતી જ નથી. પરપરિણતિ ઉત્પન્ન થાય તો ચિંતા શરૂ થઈ જાય, જીવ બળે.
(ડિસ્ચાર્જ અહંકારની) પરપરિણતિને જુદા રહીને જુઓ એ તપ. જ્ઞાતા-દ્રષ્ટા ના રહેવાય તે ઘડીએ તપ કરવું પડે.
45.