________________
પરિણતિ બે પ્રકારની; એક સ્વપરિણતિ અને બીજી પરપરિણતિ. એક શુદ્ધ પરિણતિ, તેનાથી મોક્ષ અને બીજી અશુદ્ધ પરિણતિ, તેનાથી સંસાર.
હું કરું છું, હું ભોગવું છું, હું ધર્મ કરું છું, હું ઊંઘી ગયો, એ બધી પરપરિણતિ.
સ્વપરિણતિની શરૂઆત થઈ પણ પૂર્ણાહુતિ થઈ નથી એ સંન્યસ્ત. પરપરિણતિને ખસેડ ખસેડ કરે એ સંન્યસ્ત. પરપરિણામને અને સ્વપરિણામને સમજીને ચાલતા હોય તે સંન્યાસી.
સ્વપરિણતિ ને પરપરિણતિ વીતરાગની ભાષામાં સમજ્યો તેને ભેદજ્ઞાન થયું એમ કહેવાય.
આ અક્રમ વિજ્ઞાન થકી પહેલા વસ્તુની પોતાને પ્રતીતિ બેસે છે, જ્ઞાની પુરુષ દાદા ભગવાનની કૃપાથી. પછી વધતી વધતી પ્રતીતિ આગળ સંપૂર્ણ દર્શનમાં પહોંચે ત્યાર પછી સ્વપરિણતિ શરૂ થાય. વસ્તુમાં જ્યારે પોતાને સ્વાભાવિક પુરુષાર્થ જાગે, પોતે વસ્તુ સ્વરૂપે થાય, ત્યારે પોતાને સ્વપરિણતિ ઉત્પન્ન થાય. સ્વપરિણતિ એ અલૌકિક વસ્તુ છે.
અક્રમ વિજ્ઞાન એ અગિયારમું આશ્ચર્ય છે આ જગતમાં ! બે કલાકમાં જ પરપરિણતિમાં હતો તે સ્વપરિણતિમાં આવી જાય છે, પછી ભલેને તે ગમે તે નાતનો હોય !
લાયક સમકિત એટલે પરપરિણતિ જ નહીં, નિરંતર સ્વપરિણતિ.
દાદાશ્રી કહે છે કે અમને નિરંતર સ્વપરિણામ જ હોય, પરપરિણતિ ઉત્પન્ન જ ના થાય.
સ્વપરિણતિમાં જ રહે એ સ્વરૂપ સ્થિતિ કહેવાય.
અક્રમ વિજ્ઞાનમાં તો જેટલો વખત આજ્ઞામાં રહ્યો તેટલો વખત સ્વરૂપ સ્થિતિ રહે, સ્વરૂપ સમાધિ રહે.
શુદ્ધાત્મા' એ શબ્દ તો સંજ્ઞા છે, એ નિજ પરિણતિ નથી. આ જ્ઞાન પ્રાપ્ત થયું, પછી એ જ્ઞાન ઉપયોગમાં આવે એ નિજ પરિણતિમાં આવ્યું કહેવાય. નિજ પરિણતિ એ આતમભાવના છે.
44