________________
(૧૬) નિર્વિશેષ
દાદાશ્રી : અંદર કાંકરા હોય, એ બધું હોય. ત્યારે વેપારીએ તો આપણને કહ્યું નહીં કે ભઈ, અંદર કાંકરા છે મહીં ! છતાં વ્યવહારમાં એ ઘઉંની કહેવાય છે. કાંકરા મહીં પચ્ચીસ ટકા હોય તોય એ ઘઉંની કહેવાય. એવું આ વ્યવહારથી છે બધું.
૩૩૩
પ્રશ્નકર્તા : વ્યવહારની ભાષામાં આપણે આવું કહીએ છીએ. દાદાશ્રી : વ્યવહારની ભાષામાં. બાકી એ મૂળ ભાષામાં શુદ્ધ છે. મૂળ તત્ત્વરૂપે તો પોતે ભગવાન જ છે, નિર્વિશેષ છે.
આત્મા તિરંતર શુદ્ધ ભગવાન જ
પ્રશ્નકર્તા : આત્માના અશુદ્ધ, શુદ્ધ, વિશુદ્ધ એવા પ્રકારો છે કે આત્મા એક જ જાતનો છે ?
દાદાશ્રી : આત્મા તો એનો એ જ છે. આત્મામાં કંઈ ચેન્જ નથી. ફક્ત જેવા સંજોગો હોય તે પ્રમાણે એને કહેવાય છે. આપણા ઘેરે આ સોનાની થાળી હોય, પણ એ જમીને ઊઠ્યા હોય ત્યારે અજવાળવાની કહે, એંઠી છે એવું કહે અને ખાવાનું ના મૂક્યું હોય તે વખતે સોનાની થાળી પ્યૉર છે, શુદ્ધ છે એવું કહે. એટલે એવી રીતે આ શુદ્ધ ને અશુદ્ધ કહે છે. એનો એ જ આત્મા, જુદા સંજોગો લાગવાથી આ અશુદ્ધિ દેખાય છે અને અશુદ્ધિ ખરી જાય તો શુદ્ધ જ છે, પોતે શુદ્ધ જ છે.
પ્રશ્નકર્તા : એટલે આત્મા મેલો થાય ખરો ?
દાદાશ્રી : એ મેલો થતો નથી. એને કશું થતું નથી. આ ભ્રામક માન્યતા મેલી થાય છે.
પ્રશ્નકર્તા ઃ આત્માની શ્રેષ્ઠતા શી છે ?
દાદાશ્રી : આત્મા તો ભગવાન જ છે, ને શ્રેષ્ઠતા પૂછવાનું ક્યાં ? ને એને વિશેષણ ના હોય. શ્રેષ્ઠ ને એવું તે કોઈ વિશેષણ ના હોય. આત્મા પોતે જ ભગવાન છે. જેમાં કંઈ કમી ના હોય આટલીય. જો પૂરો જાણવામાં આવે અને પૂરો અનુભવમાં આવે તો એ પોતે જ ભગવાન છે.
܀܀܀