________________
(૧૫.૨) અનાસક્ત
૩૨૭
જલેબી ખાય, પછી ચા પાઈએ તો મોળી લાગે તેમ આ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયા પછી મન ભમે જ નહીં, આખું જગત મોળું લાગે, વિષયમાત્ર મોળા લાગે.
આત્મજ્ઞાતે થયો અનાસક્ત, પણ પ્રતીતિરૂપે
એવું છે, આ “જ્ઞાન” લીધું ને અમારી આજ્ઞામાં રહે, એ અનાસક્ત કહેવાય. પછી ભલેને એ ખાતો-પીતો હોય કે કાળો કોટ પહેરતો હોય કે ધોળા કોટ-પેન્ટ પહેરતો હોય કે ગમે તે પહેરતો હોય. પણ એ અમારી આજ્ઞામાં રહ્યો એ અનાસક્ત કહેવાય. આ આજ્ઞા અનાસક્તનું જ “પ્રોટેક્શન’ છે.
પ્રશ્નકર્તા: આસક્તિમાંથી મુક્ત થવા માટે, અનાસક્ત થવા માટે જ્ઞાની પુરુષનો સત્સંગ અને વિવેક, શ્રેય-પ્રેયની બરાબર સમજણ કે આ મારા શ્રેય-પ્રેય માટે છે. એ વિવેક ન આવે ત્યાં સુધી આસક્તિ જાય નહીં.
દાદાશ્રી : ના જાય, એમ જાય નહીં, પણ જ્ઞાની પુરુષ મળી જાય અને ત્યાં આગળ જો કદી એ આત્મજ્ઞાન થાય તો આસક્તિ તૂટે. જ્ઞાની પુરુષ પોતાને આત્મા પ્રગટ થયેલો છે. હવે આત્મા સ્વભાવે અનાસક્ત છે. દેહમાં રહે તો આસક્તિ છે, દેહથી છૂટા રહે તો અનાસક્ત છે. આત્મબુદ્ધિ દેહમાં તે આસક્તિ અને આત્મબુદ્ધિ દેહમાં ના રહે તે અનાસક્ત. એટલે અનાસક્તનો જોગ બેસવો જોઈએ આપણને અને તે તમને તો બેસી ગયો છે સરસ.
પ્રશ્નકર્તા: એ આમ તમે કહો છો ને દાદા, એટલું સહેલું નથી દેખાતું. ટૂ બી વેરી ફેક્ટ કહું. તમે કહો કે આ થઈ ગયું, કબૂલ. અહીંયા હું બે કલાક બેસું ત્યારે એમ લાગે કે હું અનાસક્ત થઈ ગયો પણ બહાર નીકળ્યો, ચંપલ ન મળે, તો જુઓ મારી આસક્તિ !
દાદાશ્રી: હા, બરાબર છે. ચંપલ ના જડે ત્યારે ખરું. એ વાત તો તમને સમજાયને પણ ?
પ્રશ્નકર્તા ઃ હા.