________________
૩OO
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
માણસ મરે છે એક વખત અને સો વખત બોલે એય મરી ગયો, એય મરી ગયો. લોકો સો વખત બોલે છે કે નથી બોલતા ? આ કંઈ રીત છે માણસોની ? મરવાનું આવે તોયે “મરી ગયો” ના બોલીએ, કારણ કે આપણે તો અમર છીએ, આપણે મરવાનું શાનું હોય છે ?
આપણા મહાત્માઓ તો પુરુષ થયેલા, તે આ શ્વાસ ના ચાલ્યો તો મહીં ગુંગળામણ થાય એટલે પછી પોતાની ગુફામાં પેસી જાય કે ચાલો, આપણે આપણી સેફ સાઈડવાળી જગ્યામાં. એટલે પોતે અમરપદના ભાનવાળા છે આ !
સદેહે અમર ! એટલે આ દેહ સાથે આપણે બધા અમર જ થઈ ગયા છીએ ને ! દેહ કોઈનો અમર થાય નહીં. પુદ્ગલ વિનાશી જ હોય અને આત્મા અવિનાશી.
બૉમ્બ પડવા માંડ્યા તો મહીં ફફડી જાય, તે ઘડીએ કહેવું આ બૉમ્બ તો મરવાના હોય તેને, “ચંદુભાઈ, મારે આયુષ્ય ના હોય. આયુષ્ય જેને મરવાનું હોય તેને, હું તો અમર છું.”
અમરપદ' જાણ્યા પછી બુઝે નહીં, ઝગે નહીં
જ્યાં સુધી આપણને પોતાને પોતાનું અમરપદ જાણવામાં ન આવે, એ પામે નહીં ત્યાં સુધી કલ્યાણ પામ્યો નથી. અમરપદ જો જાણી લીધું તો કલ્યાણ થઈ ગયું ! પછી તે પદ બૂઝે નહીં કે ઝગે નહીં.
આપણા મહાત્માઓએ તો અમરપદ બૂઝી લીધું, જાણી લીધું એટલે તે રૂપ જ થઈ ગયા અને બહારના કોઈક કહે કે અમને સાક્ષાત્કાર થયો તે તો અમરપદના ફોટાનો, મૂળ વસ્તુનો નહીં.
ભૂતકાળ ને ભવિષ્યકાળ જોડે આપણે લેવાય નથી ને દેવાય નથી. વર્તમાનમાં જ રહે એનું નામ અમરપદ. અમે વર્તમાનમાં એવા ને એવા જ રહીએ છીએ. રાત્રે ઊઠાડો તોય એવા ને દહાડે ઊઠાડો તોય એવા. જ્યારે જોઈએ ત્યારે એવા ને એવા જ હોઈએ.