________________
(૧૩.૧) અજન્મ
૨૯૩
દેહ સાથે હોય. પણ દેહ છે તે અજન્મા ના હોય, મહીં આત્મા અજન્મા છે. એ પોતે દેહ હોવા છતાં આત્મસ્વરૂપ થઈ ગયેલા એટલે અજન્મા કહેવાય. તમેય અજન્મા ખરા કે નહીં ? તમેય અજન્મા ખરાને ! જન્મ પામ્યા ચંદુભાઈ અને તમે અજન્મા છો. આટલું ભાન થાય એટલે માણસ પૂરો જાગ્રત કહેવાય ! પછી તમે અવિનાશી છો, ચંદુભાઈ વિનાશી છે, એક જ સ્થાનમાં બન્ને હોવા છતાં.
આ દરેક બીજ હોય છે ને, એ દરેક બીજમાં વિનાશીય છે અને અવિનાશીય છે. અવિનાશી બીજની અંદર જ હોય, બીજની બહાર હોય નહીં. બીજની બહાર જે અવિનાશી હોય તે આખા બ્રહ્માંડથી નિવૃત્તિ થઈ ગયેલા હોય, સિદ્ધદશામાં હોય.
દેહ સાથે જન્મે છતાં અજન્મા સ્વભાવનો આત્મા
પ્રશ્નકર્તા આત્માનો મોક્ષ થાય પછી તો જન્મ ન થાય, પણ જો મોક્ષ ન થયો અને ફરીથી શરીરનો જન્મ થાય તો એની સાથે સંકળાયેલો જે આત્મા છે એ એની સાથે ને સાથે રહે કે કેવી રીતે થાય એનું ?
દાદાશ્રી : એનો એ જ, બીજો કોઈ નહીં. એ તો અનંત અવતારથી એકનો એક જ આત્મા.
પ્રશ્નકર્તા: હા, જો એનો એ જ જાય તો આપણે એમ કહીએ છીએ કે આત્મા અજન્મ છે, આત્માનો જન્મ નથી તો પુગલનો જન્મ થાય એની સાથે ને સાથે આત્મા જોડાયેલો જાય, તો એનો જન્મ ન થયો કહેવાય ?
દાદાશ્રી : ના, આત્માનો જન્મ થયો કહેવાય નહીંને ! પ્રશ્નકર્તા: એ કેવી રીતે? કારણ કે સાથે ને સાથે જ જોડાયેલો છે.
દાદાશ્રી : એનો સ્વભાવ જ નથી, પોતે અજન્મા સ્વભાવનો છે. આ એને પુદ્ગલનો સંયોગ છે. પુદ્ગલના સંયોગમાં ફસાયો છે. એ વિયોગ થઈ જાય તો પોતે મુક્ત જ છે.