________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
મન-વચન-કાયાના ક્ષેત્રમાં બેઠેલો ક્ષેત્રજ્ઞ આત્મા તે તેનો જાણકાર છે. તે જ્ઞાનાકાર હોવો ઘટે પણ મન-વચન-કાયાના દેહાકાર ક્ષેત્રાકાર થઈ ગયો છે.
૨૮૨
પોતે ક્ષેત્રિય છે ને ક્ષેત્રાકાર થઈ ગયો છે. પોતે સ્વક્ષેત્રમાં રહીને ખાલી જાણ્યા જ કરવાનું છે. જે ક્રિયા કરે તે ક્ષેત્રાકાર અને જે જુએ ને જાણે તે ક્ષેત્રજ્ઞ. મૂળ ક્ષેત્રજ્ઞ છે પણ અજ્ઞાને કરી ક્ષેત્રાકાર થઈ ગયો છે. આત્મા જ્ઞાનાકાર છે, સ્વ-પર પ્રકાશક છે.
બ્રહ્માંડતો ઉપરી પણ ક્ષેત્રાકારે થયો ભિખારી
‘હું ચંદુભાઈ’ એટલે મન-વચન-કાયા અને નામ ઉપર આરોપ કરે છે કે ‘હું છું’ તેથી મરવું પડે છે. પોતે સ્થાનભ્રષ્ટ થયો. ક્ષેત્રજ્ઞ પુરુષ ક્ષેત્રાકાર થયો.
એટલે હું ચંદુભાઈ, આમનો સસરો થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં એ બધા આરોપિત ભાવો, કલ્પિત ભાવો. પોતે નિર્વિકલ્પ અને આમ કલ્પનાનો પાર નહીં.
જ્યાં પોતે નથી ત્યાં આરોપ કર્યો, તેથી સંસાર ઊભો થઈ ગયો છે. હવે પોતાના સ્વરૂપનું ભાન ના રહ્યું, આત્માના સ્વરૂપનું એટલે પછી પોતે ક્ષેત્રાકાર થઈ ગયો છે. આખી ભ્રાંતિ જ ઉત્પન્ન થઈ છે અને પાછો ‘હું કરું છું' એમ બોલે છે.
જેમ હાથી ક્ષેત્રાકાર થઈને ફરે છે તેમ આખા જગતના લોકો (મનુષ્યો) ક્ષેત્રાકાર થઈને ફરે છે. તે ક્ષેત્રાકારમાં તારું મરણ છે.
પરક્ષેત્રમાં ના બેસે તો પોતે જ ક્ષેત્રજ્ઞ છે પણ પરક્ષેત્રમાં બેસે તો તે ક્ષેત્રાકાર છે. પોતે ક્ષેત્રજ્ઞ આખા બ્રહ્માંડનો ઉપરી તે આજે ક્ષેત્રાકાર થઈને ભિખારીની પેઠે ભમે છે. છેવટે આમાંથી દગો ઉત્પન્ન થશે. તું તારા મૂળ ક્ષેત્રમાં આવી જા. આ બધા ટેમ્પરરીમાં જ રાચી રહ્યા છે. ટેમ્પરરી એટલે તકલાદી.