________________
[૧૦.૨] ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞા
વિનાશી એ ક્ષેત્ર, અવિનાશી એ ક્ષેત્રજ્ઞ પ્રશ્નકર્તા : ગીતામાં કૃષ્ણ ભગવાને ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ અને જ્ઞાતા અને જ્ઞાન કહ્યું છે એ સમજાવો.
દાદાશ્રી ક્ષેત્ર એટલે આ શરીરમાં જે વિનાશી ભાગ છે તે ક્ષેત્ર છે. અને શરીરમાં જે અવિનાશી ભાગ છે તે ક્ષેત્રજ્ઞ છે.
અવિનાશી છે તે ક્ષેત્રજ્ઞ છે અને તે પોતે જ જ્ઞાતા છે. જ્ઞાતા ક્યારે થાય કે જ્યારે આ જાણે કે આ વિનાશી છે અને તેમાંથી મુક્ત થાય ત્યારે. દેહાધ્યાસ છૂટી જાય ત્યારે જ્ઞાતા થાય છે. નહીં તો પછી અવિનાશી તો હોય પણ પેલું જ્ઞાતાપણું ના હોય. અત્યારે તમારે જ્ઞાતા(પણું) ના હોય.
મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ બધું ક્ષેત્ર છે, એના આપણે ક્ષેત્રજ્ઞ છીએ. આ દેહ ક્ષેત્ર કહેવાય અને પોતે ક્ષેત્રજ્ઞ કહેવાય. અહીં ક્ષેત્રજ્ઞ એ જ આત્મા અને એને કરવાનું ના હોય, ક્ષેત્રને સમજવાનું હોય. જ્યાં કરવાનું હોય ત્યાં આગળ ભ્રાંતિ ઊભી થાય અને ત્યાં આગળ બધું તેથી તો બંધન છે. જે જે કહ્યું નથી તે કરવાથી બંધન છે.
પોતે તો ક્ષેત્રજ્ઞ છે પણ પરક્ષેત્રે મુકામ છે અને પોતાની સત્તા શું તે જાણતો નથી તેથી જ ચિંતા થાય છે.