________________
૨૭૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
બાકી, શુદ્ધાત્મા જ છે. સર્વ રીતે સ્વભાવ એટલે સ્વભાવ બીજો પોતાનો હોતો જ નથી, એ જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી એ જ એનો સ્વભાવ એટલે પોતાનો નિજ સ્વભાવ. અને એ ભાવ પુદ્ગલમાં નથી અને જે ભાવ આત્માનો નથી, તે ભાવ પરભાવ કહ્યો છે. આત્માનો નથી છતાં આત્માનો માનવામાં આવે છે તે પરભાવ, પરક્ષેત્રને આધીન છે. પરભાવને જ્યાં સુધી માન્ય કર્યો છે ત્યાં સુધી પરક્ષેત્ર કહેવાય. દ્રવ્યય પર કહેવાય બધું. એટલે સ્વમાં લઈ જવા માટે આ બધો હેતુ સમજાવ્યો છે. અને શુદ્ધાત્મા સમજાયો એટલે થઈ ગયું, બધું કામ થઈ ગયું. બાકી એને કંઈ ક્ષેત્ર-બેત્ર હોતું નથી. સ્વક્ષેત્ર એ તો વર્ણન કર્યું છે ખાલી શાસ્ત્રકારોએ.
પરભાવ જતા સ્વક્ષેત્રે રહી, છેવટે સિદ્ધક્ષેત્રે સ્થિત
પ્રશ્નકર્તા: જ્યારે જુઓ ત્યારે આપ એવા ને એવા જ લાગો છો, ફેર નથી લાગતો એ શું છે ?
દાદાશ્રી : આ કંઈ ફૂલ છે કે કરમાય ? આ તો મહીં પરમાત્મા પ્રગટ થઈને બેઠા છે ! નહીં તો ખખડી ગયેલા દેખાય ! જ્યાં પરભાવનો ક્ષય થયો છે, નિરંતર સ્વભાવ જાગૃતિ રહે છે, પરભાવ પ્રત્યે જેને કિંચિત્માત્ર રુચિ રહી નથી, એક અણુ-પરમાણુ જેટલી રુચિ રહી નથી પછી એને શું જોઈએ ?
પરભાવના ક્ષયથી ઓર આનંદ અનુભવાય છે. એટલે તમે એ ક્ષય ભણી દૃષ્ટિ રાખજો. જેટલો પરભાવ ક્ષય થયો એટલો સ્વભાવમાં સ્થિત થયો. બસ, આટલું જ સમજવા જેવું છે, બીજું કશું કરવા જેવું નથી. જ્યાં સુધી પરભાવ છે ત્યાં સુધી પરક્ષેત્ર છે. પરભાવ ગયો કે સ્વક્ષેત્રમાં થોડોક વખત રહી અને સિદ્ધક્ષેત્રમાં સ્થિતિ થાય. સ્વક્ષેત્ર એ સિદ્ધક્ષેત્રનો દરવાજો છે !