________________
(૧૦.૧) સ્વક્ષેત્ર-પરક્ષેત્ર
૨૭૭
સ્વક્ષેત્ર-સ્વદ્રવ્ય-સ્વભાવ-સ્વકાળ ચારેય શુદ્ધાત્મા પોતે જ
પ્રશ્નકર્તા: આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જે ચાર છે, એમાં આત્મા એ ક્ષેત્રથી કઈ રીતે રહેલો છે ?
દાદાશ્રી : જેટલો ભાગ અસ્તિત્વનો અવકાશને રોકે છે ને, એટલું ક્ષેત્ર કહેવાય એમનું. અવકાશ એટલે આકાશ કહે છે ને, એટલા ભાગને ક્ષેત્ર કહે છે. એટલે એ ક્ષેત્ર બદલાયા કરે પાછું. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ બદલાયા કરે. ભવ તો એમ કે એક મનુષ્યનો આવ્યો હોય તો મનુષ્યનો ભવ પાંચ, પચાસ, સો વરસ નભેય ખરો, પણ આ ચાર તો બદલાયા જ કરે નિરંતર.
પ્રશ્નકર્તા: આત્માનું દ્રવ્ય પણ બદલાય ?
દાદાશ્રી : આત્માનું દ્રવ્ય નહીં, આત્માને જે પરદ્રવ્ય લાગુ થયા છે આ સંસારભાવથી, તે બધા બદલાયા કરે. ક્ષેત્ર બદલાયા કરે, તેના આધારે કાળ બદલાયા કરે ને તેના આધારે ભાવેય બદલાયા કરે. હમણે નિર્ભયભાવ ઉત્પન્ન થાય. ભયવાળી જગ્યાએ જાય તો ભય ઉત્પન્ન થાય. સમયે સમયે બદલાયા જ કરે, નિરંતર. જીવ માત્રને બદલાયા કરે.
પ્રશ્નકર્તા: દાદા, આ તમે વાત કરો છો ને તે પરક્ષેત્રની છે, મારે સ્વક્ષેત્રનું પૂછવું છે. આત્મા સ્વક્ષેત્રે કેવી રીતે રહેલો છે ?
દાદાશ્રી: એ એવું છે ને કે પોતાના સ્વક્ષેત્ર-સ્વદ્રવ્ય-સ્વભાવ અને સ્વકાળ એ ચાર ભાવેય પોતે છે એ શુદ્ધાત્મા જ છે, બીજું કશું છે નહીં. આ તો ફક્ત આ પરક્ષેત્રમાંથી કાઢવા માટે સ્વક્ષેત્રનું વર્ણન કરેલું છે. ક્ષેત્ર એટલે પોતાનો જે અનંત પ્રદેશ ભાગ છે એ ક્ષેત્ર ખરેખર ક્ષેત્ર નથી કહેતા, પણ પેલું સમજાવવા માટે આ સમજમાં મૂક્યું છે. એની જરૂર નથી. આપણે શુદ્ધાત્મા એટલું જ જરૂર છે. બીજું એમાં બહુ ઊંડા ઊતરવાનું નથી. એમાં કાળેય નથી એવો હોતો. આત્માને કાળ લાગુ હોતો નથી. આત્માને ભાવ હોતો નથી, સ્વભાવ જ હોય છે. પોતે જ સ્વભાવથી જ જ્ઞાતા-દ્રષ્ટા છે. પણ આ બહારના ચાર સમજાવવા માટે પેલું સ્વ એટલે પરમાંથી સ્વમાં આવો.