________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : તમે જે જગ્યા પર બેઠા છો એ ક્ષેત્ર છે, સ્પેસ. દ્રવ્ય તમે પોતે. પણ અજ્ઞાનતામાં બન્ને પરદ્રવ્ય, પરક્ષેત્ર છે.
૨૭૬
અજ્ઞાનતામાં આ પુદ્ગલને ‘હું છું' એમ કહે છે તે પરદ્રવ્ય કહેવાય. પરદ્રવ્ય એ પોતાની જાતને માને છે. પછી પરક્ષેત્ર, આ ક્ષેત્ર તો પુદ્ગલનું છે ને તે પોતાનું ક્ષેત્ર જુદું છે. તે આ પરક્ષેત્રને એવું કહે છે કે આ મારું ક્ષેત્ર છે. પરભાવ એટલે પોતાનો જે મૂળ સ્વભાવ છે તેનાથી જુદો જે વિભાવ છે, વિશેષભાવ છે, તેમાં પોતે ‘હું છું’ માને.
એટલે અત્યારે અહીં ભાવ ઉત્પન્ન થયોને, એ પુદ્ગલભાવ છે, એ આત્મભાવ નથી. અને પરકાળ, કાળેય જુદો. અત્યારે પૂછવામાં આ ટાઈમ છે તે પરકાળ કહેવાય.
એટલે પરભાવ, પરદ્રવ્ય, પરક્ષેત્ર અને પરકાળ બધુંય પરાયું છે, અને સ્વભાવ, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર અને સ્વકાળમાં આવવાનું ત્યારે મુક્તિ
થાય.
પ્રશ્નકર્તા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ, મહાત્માઓને કેવી રીતે બદલાયા ?
દાદાશ્રી : આપણે હવે શું થયું ? પરદ્રવ્ય સ્વરૂપ હતા, તે સ્વદ્રવ્ય સ્વરૂપ થયા. પરક્ષેત્રમાં હતા તે સ્વક્ષેત્રમાં આવ્યા. પરકાળમાં હતા તે સ્વકાળમાં આવ્યા. સ્વકાળ કેવો છે ? સનાતન છે ને પરકાળમાં વિનાશી હતું. અને સ્વભાવમાં આવ્યા, પરભાવથી છૂટા થયા. અને પેલા જે ગલન છે એમાં તો કંઈ ફેરફાર થાય નહીં. એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જે ભાવે ગલન થવાના હોય, એ પ્રમાણે થયા કરે. બની ગયેલી વસ્તુ છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં.
સ્વક્ષેત્રમાં રહેવાનું છે, સ્વદ્રવ્યમાં રહેવાનું છે, સ્વભાવમાં રહેવાનું છે અને સ્વકાળમાં રહેવાનું છે. સ્વકાળ એટલે મરણ જ ના આવે અને પરકાળ એટલે મરણનું કારણ, એ સમજી ગયા તો નિવેડો આવેને, નહીં તો નિવેડો શી રીતે આવે ?