________________
દુઃખ લાગે. સુખ-દુઃખ એ વેદના છે, શાતા વેદનીય કે અશાતા વેદનીય, જ્યારે આનંદ એ પોતાનો સ્વભાવ છે. નિરંતર આનંદ, એક ક્ષણ આઘોપાછો ના થાય એવો.
પોતે અનંત સુખનું ધામ છે, પણ એ નહીં સમજાવાથી કલ્પના કરીને આરોપિત કરેલું આ સુખ-દુઃખ ભોગવે છે.
જે સુખ વધારે ભોગવવાથી દુઃખરૂપ થઈ પડે તો એ સાચું સુખ નથી. જે સુખ કાયમ ભોગવે છતાં દુઃખરૂપ ના થાય એ (આત્માનું) સનાતન સુખ.
સંસારમાં સુખ છે જ નહીં, ભ્રામક માન્યતાના સુખ છે. શાશ્વત સુખ આત્મામાં છે. ભ્રામક માન્યતા એટલે એક પરણવામાં સુખ માને, તો કોઈને બ્રહ્મચર્યમાં સુખ આવે. બાકી જે અનુભૂતિ પ્રાપ્ત થયા પછી જાય નહીં એ સાચું સુખ. સરસ ચા પીધી ને ટેસ્ટ આવી જાય કે ઠંડો પવન આવે ને હાશ થાય, કોઈ પણ પ્રકારની બહારની ચીજના અવલંબનથી આવતું સુખ એ બાહ્ય સુખ છે.
જ્યારે થાકી જાય ને ઊંઘે તો સુખ લાગે તે અંદરનું સુખ છે. પણ એવી ભ્રમણા થઈ જાય છે કે ઊંઘી ગયો તેથી સુખ આવ્યું. પણ ખરેખર તો આત્મા છે ત્યાંથી સુખ આવે છે અને અહંકાર સુખ ભોગવે છે. બહારની અંતઃકરણ-બાહ્યકરણ રૂપી મશિનરી બંધ થઈ ને મહીં ભગવાન (આત્મા) હાજર છે, ત્યાંથી સુખ બહાર નીકળે છે.
આત્માનો આનંદ કેવી રીતે ખબર પડે ? પોતાની વસ્તુ બીજાને આપી દે, તો આપવાથી પોતાને દુઃખ થવું જોઈએ પણ આ તો આપ્યા પછી (ઘણી વખત) પોતાને મહીં આનંદ વર્તાતો હોય છે. એ પોતાનો આનંદ છે, બહારથી નથી.
બહુ દુ:ખમાંય ક્યારેક વચ્ચે અંદર સુખ આવી જાય, તે ક્યાંથી આવ્યું ? મહીં આત્માનું સુખ છે એ.
આત્માનું અસ્પષ્ટ સુખ વેદનમાં આવે ત્યારથી સંસારના સુખ મોળા લાગવા માંડે છતાં પૂર્વકર્મના આધારે સુખ ભોગવવા પડે.
આત્મા આનંદનો આખો કંદ જ છે, એમાં દુઃખ પેસે જ નહીં.
29