________________
[૮.૪]
સ્વપરિણામ-પરપરિણામ તિજધારા-પરધારા વહે જુદી, પણ અજ્ઞાતી રે ભેગી
મહાવીર ભગવાને બે ભાગ પાડ્યા : ૧. પ્રકૃતિના પરિણામ, ૨. શુદ્ધાત્માના પરિણામ. તે બન્નેવ જુદી ધારાઓ વહે છે.
જીવ માત્રને બે જાતની ધારા વહ્યા જ કરે છે. બન્નેવ જુદી જુદી પણ પોતાને ભાન જ નથી. મનુષ્ય, તિર્યંચ, દરેકને સ્વની અને પરની, નિજપરિણામની અને પરપરિણામની બન્ને ધારા અંદર નિરંતર વહ્યા કરે છે. પણ જગતના લોકોને તેનું ભાન નથી. એટલે ભેગી થઈ જાય છે, એટલે અજ્ઞાનીઓ એક જ માને છે.
દરેક જીવ માત્રમાં સ્વપરિણામ અને પરપરિણામ બેઉ પરિણામો ઉત્પન્ન થયા જ કરે છે. પણ બિલીફ રોંગ છે ને, એટલે પરપરિણામને સ્વપરિણામ માને છે અને સ્વનેય સ્વ માને છે. આખા પરિણામને પોતાના માન્યા બધા. એટલે પછી કહે છે શું ? જુઓ, આ દાળ-ભાત, શાક-રોટલી મેં જાતે જ બનાવ્યા છે. આપણે કહીએ કે તમને આ રોટલી બનાવવાનું જ્ઞાન હતું ? ત્યારે કહે, હા, એ જ્ઞાન તો હતું જ ને મને. એટલે જ્ઞાનેય હું જાણું છું અને ક્રિયાય હું કરું છું. એટલે આ બેઉ પરિણામ ભેગા વર્તે છે અજ્ઞાનીમાં અને જ્ઞાની બે પરિણામમાં ના હોય, એક પરિણામમાં હોય. હું જ્ઞાનક્રિયાનો કર્તા છું, અજ્ઞાન ક્રિયાનો કર્તા નથી. કંઈ પણ ક્રિયા એ અજ્ઞાન ક્રિયા કહેવાય છે.