________________
(૮.૨) સ્વપરિણતિ-પરપરિણતિ
૧૯૭ દાદાશ્રી : પણ એનું નામ જ ભ્રાંતિને ! એ પોતે પિત્તળ લઈને બેઠેલા હોય અને આપણા સાચા સોનાને કહે છે કે તમે પિત્તળ લઈને આવ્યા છો. એટલે સાચા સોનાવાળો સમજતો હોય કે મારું સાચું છે, એનું પિત્તળ છે, પણ એને સમજણ નથી એટલે બિચારો આવું બોલે છે. એટલે પછી એ એને સહન કરે. સહન કોને કરવાનું છે ? આ દુનિયામાં જે સાચા છે એને સહન કરવાનું છે.
કર્તાપદે જપ-તપ-ત્યાગ-ધર્મ એ બધું પરપરિણતિ
આ બધા જે લોકો જપ, તપ, ત્યાગ જે જે બધું કરે છે એ બધી પરપરિણતિ છે. એટલે સંસારમાં જ ભટકવાનું સાધન ખોળી કાઢ્યું છે.
એ સાધુ હોય કે સંન્યાસી હોય, સમાધિમાં રહેતો હોય કે ઉપાધિમાં રહેતો હોય પણ ચિંતા વગર કોઈ માણસ ના હોય. ચિંતા એટલે શું ? મહીં આકુળતા-વ્યાકુળતા રહ્યા જ કરતી હોય આમ. કારણ કે પરપરિણતિમાં છે. સ્વપરિણતિ ઉત્પન્ન થાય તો જ દહાડો વળે.
હું આ કરું છું, હું આ ભોગવું છું, હું આ ધર્મ કરું છું ત્યાં સુધી પરપરિણતિ. હું સંડાસ જઉ છું, હું ઊંઘી જઉ છું” તેય પર પરિણતિ. આ બધી પર પરિણતિ હોય ત્યાં સુધી સ્વપરિણતિનો છાંટોય પણ ન દેખી શકે. પરપરિણતિ જોયેલી ખરી કોઈ વખત ?
પ્રશ્નકર્તા ઃ પરપરિણતિમાં જ છીએ ને.
દાદાશ્રી : હવે સ્વપરિણતિમાં આવીએ તો સ્વાદ જુદી જ જાતનો હોય. આ અત્યારે પરપરિણતિમાં જે સ્વાદ આવે છે એના કરતા સ્વપરિણતિનો સ્વાદ જુદો જ હોય.
આ અમૃતમય હોય, પેલું વિષપાન હોય. પેલી વિષમસ્થિતિ હોય, આ સમસ્થિતિ હોય. સ્વપરિણતિમાં સમસ્થિતિ હોવી જ જોઈએ, અમૃતપાન હોવું જ જોઈએ. વિષપાન કદી પણ, એક સેકન્ડ પણ ન આવે, એનું નામ સ્વપરિણતિ. સ્વપરિણતિમાં જાગૃતિનું પ્રમાણ ઓછું-વતું હોય !