________________
(૭.૨) લેપાયમાન ભાવો
૧૬૯
પૂર્વે પૂરણ થયેલા ભાવો, આજે ગલત થતા સોંપવા દાદાને
અક્રમ જ્ઞાન શું કહે છે? કે એ (જે સંયોગ આવે છે તે) આપણું જ્ઞાન મજબૂત કરવા આવે છે. ના ગમતો મહેમાન આવે તો એમ થાય કે આ ક્યાં આવ્યો ! આ જે ભાવ થાય તે લેપાયમાન ભાવ છે. આખુંય જગત લેપાયમાન ભાવમાં રહે છે. આપણને એ ભાવ આવે પણ તે એને આપણે તરત જ ઓળખી જઈએ.
હવે લેપાયમાન ભાવો તો જાતજાતના આવે. લેપાયમાન ભાવોને કહે છે કે “દાદા, મને આવો કેમ વિચાર આવે ?” અલ્યા મૂઆ, એ તો લેપાયમાન ભાવ છે, તારો ભાવ નથી એ. એ લેપાયમાન એટલે પૂરણ થયેલા તે ભાવો છે.
લેપાયમાન ભાવો આવે પણ તે છે તો આવે છે, તમોને કશું જ અડે નહીં. મને લેપાયમાન ભાવ ન આવે, તમોને આવે એટલો જ ફેર. તમોને લેપાયમાન ભાવ બહુ પજવતા હોય તો મારું નામ દઈ દેવું. કહેવું કે દાદાને કહી દઈશ તો તે જતા રહે.
પ્રશ્નકર્તા: બસ દાદા, અમે તો તમારા માથે નાખીશું.
દાદાશ્રી : બસ બસ બસ. એ કાગળિયું અમારા નામ પર લખી રાખવું. ઉધારી લઈ લઈશું અમે ! ત્યારે શું ? દાદાને માથે બધું નાખવાનું. નાખીને બધાય, જેટલું નખાય એટલું નાખો. પણ આપણે જે ગામ જવું છે, ત્યાં ચાલો. એ ચૂકશો નહીં. કોઈ અવળ-હવળ બોલાશે, તો અમે સમજી જઈશું કે એને દસ વરસ પહેલા પૂરેલું, આજે એને બિચારાને શું? જ્ઞાન થતા પહેલા પૂરેલું અને ગલન અત્યારે થાય છે. આ મરડો એ આજનું ગલન છે. લેપાયમાન ભાવોમાં જ્ઞાતા-દ્રષ્ટા રહે, ઉપજે સંયમ પરિણામ
પ્રશ્નકર્તા: દાદા, અમને શરીરમાં વેદના થતી હોય તો પછી આ સામાયિક કરવાનું મન ના થાય, ચરણવિધિ કરવાનું મન ના થાય, તો શું?