________________
આત્માની અનંત શક્તિઓ અનુભવમાં આવે ત્યારે સમજાય આ બધી પૌદ્ગલિક શક્તિઓ દુઃખદાયી છે, દુઃખ આપનારી છે. છતાં એ અનંત શક્તિ પોતાને આ બધું અડવા નથી દેતી. પાણીમાં રહેવા છતાં પાણીને સ્પર્શ ના કરવા દે તે કેવી શક્તિ ! નિર્લેપ રાખે. ભીડમાં અસંગ રાખે. મુશ્કેલીઓ આવે છતાં પોતે એને પાર કરી ઠેઠ પહોંચી જાય. માટે તો આત્મા એ ભગવાન છે !
કોઈ વસ્તુ એને ડરાવી શકે નહીં, કોઈ વસ્તુ એને ડિપ્રેશનમાં ના લાવી શકે, કોઈ વસ્તુ દુઃખી કરી શકે નહીં, એ કેટલી બધી અનંત શક્તિ !
અનંત સુખ, જે સુખ બહાર ખોળવા ના જવું પડે એ પોતાનું ! એનામાં આધ્યાત્મિક, વાસ્તવિક શક્તિ છે, ભૌતિક શક્તિ નથી. પણ પ્રગટ થાય ત્યારે કામ લાગે.
મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના છે, અનેક વિનોને ખસેડીને પોતે મોક્ષે જાય એવી અનંત શક્તિવાળો છે.
અનંત શક્તિ છૂટવા માટે જ વાપરવાની છે, પણ એ જ્ઞાની પુરુષ આત્માને છૂટો પાડે પછી વપરાય.
આ શક્તિઓ આવરાઈ ગયેલી છે. આવરણ ખસે તો અભિવ્યક્ત થાય. આવરણ ખસવાનો ઉપાય કર્યા કરે તે પોતાનો પુરુષાર્થ, તો પેલું પરિણામે શક્તિ પ્રગટ થતી જાય.
પોતાની શક્તિ વ્યક્ત થઈ જાય તે પોતે પરમાત્મા છે.
સ્વરૂપનું અજ્ઞાન અને સ્વરૂપનું અદર્શન, એ બે મોટા આવરણ. પછી લોકોનું જોઈને શીખ્યા કે આ જોઈએ છે ને પેલું જોઈએ છે, તેનાથી અનંત શક્તિ આવરાઈ. પછી ઘર્ષણ-સંઘર્ષણમાં શક્તિઓ ખલાસ થતી ગઈ.
બધા જીવો સામાન્યભાવે આત્મા જ છે, પરમાત્મા જ છે પણ શક્તિ પ્રગટ થઈ નથી. જેમને શક્તિ પ્રગટ થઈ છે એવા જ્ઞાની પુરુષના નિમિત્તે પોતાની શક્તિ પ્રગટ થઈ જાય. જેટલી આત્મશક્તિ પ્રગટ થઈ એને ઐશ્વર્ય કહેવાય.
24