________________
સંસારી ચીજવસ્તુઓ વિનાશી છે, માટે આ જ્ઞાનના પર્યાય વિનાશી છે, પણ જ્ઞાન વિનાશી નથી. જ્ઞાન તો જ્ઞાન જ છે, પરમેનન્ટ છે. પર્યાયો નિરંતર પરિવર્તન થયા જ કરે છે. જેમ અવસ્થા ફરે, તેમ જ્ઞાન ફરે, છતાં જ્ઞાન શુદ્ધ રહે છે. પોતાના પર્યાયને જે જાણે છે તે પોતે છે, આત્મા છે.
જ્ઞાન એ ગુણ કહેવાય. કારણ કે હું છું, એ કાયમનો છું. પછી અનંતા શેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં એ જ્ઞાન વપરાય, ત્યારે એ જ્ઞાનનો ધર્મ કહેવાય, પર્યાય કહેવાય અને એ પર્યાય વિનાશી છે.
આત્મા શેયમાં જાય નહીં, એ જ્ઞાનનો પર્યાય જાય. પર્યાયથી શેય જોઈ શકાય. શેય-જ્ઞાતા એકાકાર ના થાય એનું નામ જ્ઞાન.
દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણ ભેગું થાય ત્યારે વસ્તુ કહેવાય, તત્ત્વ કહેવાય. ગુણ વગર પર્યાય ના હોય. દ્રવ્ય અવિનાશી, ગુણ અવિનાશી અને પર્યાય વિનાશી. એટલે આત્મા જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી, કેવળ એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર જ છે.
પછી અનંત દૃશ્યોને જોવામાં પરિણમેલી એટલે પોતે દશ્યસ્વરૂપ થઈ જાય છતાં પોતે શુદ્ધ જ છે, દ્રષ્ટા છે. દૃષ્ટિ અને દ્રષ્ટામાં ફેર. દૃષ્ટિ એ તો દ્રષ્ટાનો પર્યાય છે. પર્યાય એ દ્રવ્યના ગુણની ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી અવસ્થા છે. દ્રષ્ટા દૃષ્ટિથી દશ્ય જુએ. એ અવસ્થાઓ, પર્યાયો નિરંતર બદલાય છતાં દ્રષ્ટા ના બદલાય. ગુણ-દ્રવ્ય કાયમના અને પર્યાય બદલાયા કરે.
શેયાકારે પ્રગટતો જ્ઞાનનો પર્યાય પોતાને કારણે જ પ્રગટે છે. એ સ્વતંત્ર રીતે પ્રગટે છે. કારણ કે જ્ઞાન સ્વતંત્ર છે. શેય હોય તો જ્ઞાન હોય. પણ જ્ઞાન પ્રગટ થયા પછી શેયને જોઈ શકે. બાકી શેયને અને જ્ઞાનને લેવાદેવા નથી. એ અવસ્થા જ્ઞાનની પૂર્વનિશ્ચિત નથી.
પુદગલની અવસ્થાઓ બદલાયા જ કરવાની, પણ દરેક અવસ્થા જોવામાં પોતાનું જ્ઞાન મેલું થતું નથી, શુદ્ધ જ રહે છે. પોતાની શુદ્ધતાને કશી હરકત આવતી નથી.
જલેબી જુએ, એમાં મારાપણું કરે કે મોહ કરે તો જ નુકસાન. કારણ કે વિશેષ કર્યું. સામાન્યભાવે ના જોયું, વિશેષભાવે જોયું કે વળગ્યું. આ સારું છે' કહ્યું કે ચોંટ્યું. બીજે બધે સામાન્યભાવે રહે તો ના ચોટે.
20