________________
૧૧૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
રાગ-દ્વેષતા કારણોમાંય “હું” અગુરુલઘુ સ્વભાવવાળો
શુદ્ધાત્મા વીતરાગ છે અને અગુરુલઘુ સ્વભાવના છે. અને રાગદ્વેષ ગુરુ-લઘુ સ્વભાવના છે. વધ-ઘટે, પણ હવે રાગ-દ્વેષ હોય નહીં. હવે એવા જે ભાવ આવે એ તો નિકાલી ભાવ હોય છે.
એમાં રાગ-દ્વેષ ના હોવા જોઈએ. પેલા વૈષના કારણ સેવે તોય આપણને દ્વેષ ના હોય. પેલા રાગના કારણો સેવે તોય આપણને રાગ ઉત્પન્ન ના થાય. રાગ-દ્વેષ રહિત થવું એ જ ધર્મ. આપણને એ રાગદ્વષ નથી થતા અને આ લોકોને રાગ-દ્વેષ થાય છે. આપણે કહીએ કે રાગ-દ્વેષ એ ગુરુલઘુ સ્વભાવના છે અને હું તો અગુરુલઘુ સ્વભાવવાળો વીતરાગ જ છું. એટલે રાગ-દ્વેષનેય છૂટા પાડી દીધા છે. પછી તો હોય જ નહીંને ! સાયન્સમાં કશું હોય જ નહીંને ! રાગ-દ્વેષ ન હોય. આ “હું ચંદુભાઈ છું' એ જ રાગ હોય છે ને, એ જો ઊડ્યું તો બધું ગયું. એ શ્રદ્ધા હતી ને, તે જ રાગ હતો. આમ શ્રદ્ધાથી પછી રાગ રહિત થયો પોતે, ફાઈલોના હવે નિકાલ કરવાના બાકી રહ્યા. દહાડે ને દહાડે છૂટતા જાય.
આ દેહના, પ્રકૃતિના કાર્યમાં આત્મા તો છૂટો જ છે. એટલે હવે ભળતો જ નથી એ. પ્રકૃતિ પ્રકૃતિનું કામ કર્યા કરે. એ ડિસ્ચાર્જ થયા કરે.
આ વિજ્ઞાન સમજે તો પછી કાયમ સમાધિ તમને આત્મા પ્રાપ્ત થયો છે, તે આત્મા પ્રાપ્ત થયા પછી બીજું કશું હોય જ નહીં. ફક્ત નિકાલ જ કરવાનો સમભાવે. કશું જ કરવાનું ના હોય. રાગ-દ્વેષ કશું ના હોય. કારણ કે આત્મા છે તે અગુરુલઘુ સ્વભાવનો, રાગ-દ્વેષ ગુરૂ-લઘુ સ્વભાવના. રાગ તો વધય ખરો ને ઘટેય ખરો અને આત્મા વધે-ઘટે નહીં એવો. બે જુદે જુદી વસ્તુને અજ્ઞાની પાછો એક કરી નાખે છે. આ મેં જે આત્મા આપ્યો છે ને, એ અગુરુલઘુ સ્વભાવનો છે. એ રાગ-દ્વેષવાળો ન્હોય એ. અને આ છે તે આ કેવળજ્ઞાન હાથમાં આપ્યું છે.
પ્રશ્નકર્તા: અને તે બિલકુલ સરળ ભાષામાં ! જ્યારે એ સમજણ પડી જાય છે ને ત્યારે જલદી ઊતરી જાય છે.